ગુજરાતના દરિયાકિનારે ડોલ્ફિન ટુરિઝમ માત્ર કાગળ પર: પ્રોજેક્ટ ધૂળ ખાય છે
- સરકારી દાવાઓ પોકળ સાબિત, 600થી વધુ ડોલ્ફિન હોવા છતાં પ્રવાસનને વેગનો અભાવ
- દ્વારકા અને શિવરાજપુરના દરિયામાં ડોલ્ફિનનું સામ્રાજ્ય, છતાં તંત્ર નિષ્ફળ
- ઓખાથી નવલખી સુધીની અપાર સંભાવનાઓ હોવા છતાં પ્રોજેક્ટ ફાઈલોમાં કેદ
સિટી ન્યુઝ @ દ્વારકા
ગુજરાતની સમૃદ્ધ દરિયાઈ જૈવવિવિધતાને વિશ્વના નકશા પર મૂકવા માટે શરૂ કરવામાં આવેલ 'ડોલ્ફિન ટુરિઝમ' પ્રોજેક્ટ હાલ સરકારી ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન જે ઉત્સાહ સાથે આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, તે આજે સદંતર વિસરાઈ ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠે 600થી વધુ ડોલ્ફિન નોંધાયેલી હોવા છતાં, પ્રવાસન વિભાગ અને વન વિભાગના નિષ્ક્રિયતાને કારણે પ્રવાસીઓને આ કુદરતી નજારાનો લાભ મળી શકતો નથી.
ખાસ કરીને દેવભૂમિ દ્વારકાનું શિવરાજપુર, પોશિત્રા, ઓખાથી નવલખી સુધીનો દરિયાઈ પટ્ટો અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો ડોલ્ફિન સ્પોટિંગ માટે શ્રેષ્ઠ સ્થળો છે. અહીં બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ શિવરાજપુર બીચ પર સ્વચ્છ પાણીમાં ડોલ્ફિનનું કુદરતી નિવાસસ્થાન હોવા છતાં તેને એક પ્રવાસન પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. લક્ઝરી બોટ કે ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ ડોલ્ફિનને નજીકથી જોઈ શકે તેવો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે આજે માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો છે.
ગુજરાતના દરિયામાં મુખ્યત્વે ઇન્ડો-પેસિફિક હમ્પબેક અને બોટલનોઝ એમ બે પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે. ‘માનવમિત્ર’ તરીકે ઓળખાતી અને પોતાની અદભુત એક્ટ્રોબેટિક રમતોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરતી ડોલ્ફિન ટુરિઝમ માટેનો એક મોટો સ્ત્રોત છે. આમ છતાં, વન વિભાગ કે પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. સરકારી દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો આ તફાવત પ્રકૃતિપ્રેમીઓમાં ભારે નારાજગી ફેલાવી રહ્યો છે.
પ્રોજેક્ટની નિષ્ફળતા અને અસરો
ડોલ્ફિન ટુરિઝમ વિકસાવવાથી સ્થાનિક રોજગારી અને પ્રવાસનને મોટો વેગ મળી શકે તેમ હતો. જ્યારે અન્ય દેશો અને ભારતના અન્ય રાજ્યો દરિયાઈ જીવસૃષ્ટિને ટુરિઝમ સાથે જોડી આર્થિક વિકાસ સાધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આટલી સંભાવનાઓ છતાં તંત્રની સુસ્તી આઘાતજનક છે. માત્ર સંરક્ષણના દાવાઓ કરવાથી કંઈ નહીં થાય; જો પ્રવાસીઓને આકર્ષવા હશે તો આ પ્રોજેક્ટને આયોજનબદ્ધ રીતે જમીની સ્તર પર લાવવો પડશે. પ્રકૃતિ અને પર્યટનનું સંતુલન જ રાજ્યને એક શ્રેષ્ઠ પ્રવાસન કેન્દ્ર બનાવી શકે છે.