Loading Please Wait !!!
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ

  • 7,500 થી 1 લાખ સુધીની સહાય, 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની જાહેરાત
  • કેશ સહાય કે વ્યાજ સબસિડીમાંથી વેપારીઓ કરી શકશે એક વિકલ્પની પસંદગી
  • લાખોનું નુકસાન વેઠનારા નાના-મોટા ધંધાર્થીઓને મળશે વિશેષ પેકેજ

સિટી ન્યુઝ @ સુરત

સુરતમાં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી પૂરની સ્થિતિથી વેપારીઓને થયેલા આર્થિક નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણય મુજબ, અસરગ્રસ્ત વેપારીઓને નુકસાનીના પ્રમાણમાં રૂ. 7,500 થી લઈને રૂ. 1 લાખ સુધીની સીધી આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, વેપાર ફરી શરૂ કરી શકાય તે માટે રૂ. 30 લાખ સુધીની લોન અને તેમાં વ્યાજ સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારની શરત મુજબ, વેપારીએ રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈપણ એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે.

રાજ્ય સરકારના આ પેકેજથી વીમા સુરક્ષા વિના નુકસાન વેઠનારા નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓને મોટો ટેકો મળશે. સુરતમાં પૂર બાદ સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે છેલ્લા એક અઠવાડિયાથી 9 હજારથી વધુ કર્મચારીઓ રાત-દિવસ કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશ ડોલ અને ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, જેમના ઘરોમાં પાણી નથી ભરાયા પરંતુ જેમના રોજગાર પર અસર થવાથી નોકરીએ જઈ શક્યા ન હતા, તેવા લોકોને પણ સહાયના દાયરામાં આવરી લેવાયા છે.

આ રાહત પેકેજ સુરતના વેપારી વર્ગમાં એક નવી આશાનું કિરણ લઈને આવ્યું છે. વ્યાજ સહાય અને લોનની સુવિધાથી વેપારીઓ પોતાના પાયમાલ થયેલા ધંધાને ફરીથી બેઠા કરી શકશે. મેડિકલ કેમ્પો અને ડોર-ટુ-ડોર આરોગ્ય તપાસ દ્વારા શહેરની સ્થિતિ સામાન્ય બનાવવાની સાથે આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. વેપારીઓ દ્વારા આ રાહત પેકેજને આવકારવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં આ સહાય વિતરણની પ્રક્રિયા ઝડપી બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

 

વેપારીઓ માટે સહાયની જોગવાઈ સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે બે પ્રકારની સહાયની જાહેરાત કરી છે. પ્રથમ, નુકસાન મુજબ રૂ. 7,500 થી 1 લાખ સુધીની રોકડ સહાય. દ્વિતીય, રૂ. 30 લાખ સુધીની લોન અને તેના પર વ્યાજ સહાય. વેપારીએ આ બંનેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ ઉપરાંત, પૂરગ્રસ્ત સામાન્ય નાગરિકોને પણ કેશ ડોલ અને ઘરવખરીની સહાય મળી રહી છે, જેનો લાભ અત્યાર સુધી 19 હજારથી વધુ પરિવારો લઈ ચૂક્યા છે.