Loading Please Wait !!!
UPSC ઉમેદવારો માટે ખુશખબર: હવે દર મહિને મળશે 4 હજાર સહાય

  • ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, સફળ ઉમેદવારોને મળશે 2.05 લાખ સુધીનું પ્રોત્સાહન
  • પ્રિલિમથી ઇન્ટરવ્યુ સુધીની સફળતા પર મળશે લાખોનું આર્થિક પ્રોત્સાહન
  • આર્થિક સહયોગ મળતા યુવાનોને ગુણવત્તાયુક્ત તૈયારીમાં થશે મોટી મદદ

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાત સરકાર દ્વારા સંઘ લોકસેવા આયોગ (UPSC)ની તૈયારી કરતા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) અને તેના તાલીમ કેન્દ્રોમાં તૈયારી કરતા ઉમેદવારો માટે પ્રોત્સાહન સહાયના દરોમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નવી જોગવાઈ મુજબ, પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને હવે દર મહિને 4,000 રૂપિયા સુધીની સહાય મળશે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ આર્થિક તંગીને કારણે કોઈપણ યુવાન ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે અને વધુને વધુ ગુજરાતના યુવાનો દેશની સર્વોચ્ચ સિવિલ સર્વિસમાં સ્થાન મેળવી શકે તે છે.

પરીક્ષાના દરેક તબક્કે સફળતા મેળવનાર ઉમેદવારો માટે પ્રોત્સાહન રકમ પણ નક્કી કરવામાં આવી છે. પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને 35,000 અને યુવતીઓને 50,000 રૂપિયા, જ્યારે મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને 45,000 અને યુવતીઓને 55,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, UPSCમાં અંતિમ પસંદગી મેળવનાર યુવકોને 75,000 અને યુવતીઓને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. આ તમામ તબક્કાની સહાયને જોતા, યુવકોને કુલ 1.55 લાખ અને યુવતીઓને 2.05 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળી શકશે.

સરકારના આ પ્રશંસનીય નિર્ણયથી SPIPA માં તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં નવી આશાનું કિરણ જાગ્યું છે. દીકરીઓને વધુ પ્રાધાન્ય આપીને કરવામાં આવેલી આ આર્થિક જોગવાઈઓ યુવાનોને ગુણવત્તાયુક્ત તૈયારી કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. અગાઉ આર્થિક સંકટના કારણે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનું ટાળતા હતા, પરંતુ હવે આ પ્રોત્સાહક સહાય મળતા ગુજરાતનું પ્રતિનિધિત્વ દેશની પ્રતિષ્ઠિત સેવાઓમાં વધશે તેવો સરકારને પૂરો વિશ્વાસ છે.

UPSC પ્રોત્સાહન સહાયનું માળખું

રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલ નવી સહાય યોજના હેઠળ યુવકોને કુલ 1.55 લાખ અને યુવતીઓને 2.05 લાખ સુધીની આર્થિક સહાય મળવાપાત્ર છે. આમાં માસિક 4,000 રૂપિયાના સ્ટાઈપેન્ડ ઉપરાંત પ્રિલિમ્સ, મેઈન્સ અને અંતિમ સફળતા પર મળતા ક્રમશઃ પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. આ આર્થિક સુરક્ષા ઉમેદવારોને અન્ય કોઈ પણ ચિંતા વગર માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.