Loading Please Wait !!!
ખેડૂતોનો ડેટા હવે સુરક્ષિત: ગુજરાત સરકારનું ડિજિટલ સુરક્ષા કવચ

  • 'વિભાગીય ડેટા સમિતિ'ની રચના, છેતરપિંડી અને ડેટા લીકેજ પર લાગશે લગામ
  • ડેટાના દુરુપયોગ પર અંકુશ, વચેટિયાઓનો પ્રભાવ ઘટશે
  • પાંચ શ્રેણીમાં ડેટાનું વર્ગીકરણ, સંમતિ વગર કોઈ માહિતીનો ઉપયોગ નહીં

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે રાજ્યના ખેડૂતોની વ્યક્તિગત અને કૃષિ સંબંધિત માહિતીની સુરક્ષા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ-૨૦૨૩’ અંતર્ગત હવે ‘વિભાગીય ડેટા સમિતિ’ (DDC)ની રચના કરવામાં આવી છે. આ સમિતિ ખેડૂતોના ડેટાના સુરક્ષિત, પારદર્શક અને વૈજ્ઞાનિક સંચાલન માટે જવાબદાર રહેશે. નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય વચેટિયાઓ દ્વારા થતી છેતરપિંડી, ડેટાના દુરુપયોગ અને અનધિકૃત પ્રવેશને સંપૂર્ણપણે રોકવાનો છે.

આ ડેટા સુરક્ષા માટે તમામ માહિતીને પાંચ અલગ-અલગ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવશે: ઓપન, શેરેબલ, પ્રતિબંધિત, સંવેદનશીલ અને નેગેટિવ લિસ્ટ. જેમાં હવામાન કે બજાર ભાવ જેવી સામાન્ય માહિતી સરળતાથી ઉપલબ્ધ રહેશે, પરંતુ ખેડૂતોની બેંકિંગ અને વ્યક્તિગત વિગતોને ઉચ્ચ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. સમિતિનું નેતૃત્વ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કરશે અને તેમાં આઈટી નિષ્ણાતો તથા કાયદાકીય અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

‘કોન્સેન્ટ મેનેજમેન્ટ’ એટલે કે ખેડૂતોની સંમતિને પણ આ વ્યવસ્થામાં વિશેષ મહત્વ અપાયું છે. ખેડૂતોની મંજૂરી વિના કોઈ પણ ડેટાનો ઉપયોગ શક્ય નહીં બને અને તેનો રેકોર્ડ ડિજિટલ રીતે સુરક્ષિત રહેશે. સાયબર હુમલા અથવા ડેટા લીકેજ જેવી કોઈ પણ ઘટના બનશે, તો તાત્કાલિક રાજ્ય ડેટા સત્તામંડળને જાણ કરી કાર્યવાહી કરવામાં આવશે. આ ડેટા સુરક્ષાને લીધે આગામી સમયમાં પાક વીમો, સબસિડી અને અન્ય સરકારી લાભો વધુ પારદર્શક રીતે સીધા ખેડૂતો સુધી પહોંચી શકશે.