Loading Please Wait !!!
વિદેશ પ્રવાસ અંગે ગુજરાત સરકારનો કડક આદેશ: 45 દિવસ અગાઉ પૂર્વ મંજૂરી ફરજિયાત!

 

 

  • સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વિદેશ પ્રવાસ માટે નવો ઠરાવ બહાર પડાયો.
  • માત્ર રજા મંજૂર થવી પૂરતી નથી, વિદેશ પ્રવાસની અલગથી મંજૂરી જરૂરી.
  • સરકારી કર્મચારીઓએ પ્રવાસનો ખર્ચ અને સ્પોન્સરની વિગતો આપવી પડશે.

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગર, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના અંગત હેતુસરના વિદેશ પ્રવાસને લઈને ગુજરાત સરકારે એક મહત્વનો ઠરાવ બહાર પાડ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઠરાવમાં વિદેશ પ્રવાસ માટે 45 દિવસ અગાઉ અરજી કરવાથી લઈને રજા, ખર્ચનો સ્ત્રોત, વિદેશી આતિથ્ય અને પૂર્વ મંજૂરી સહિતની તમામ પ્રક્રિયાઓ સ્પષ્ટ કરવામાં આવી છે. આ કડક આદેશો વચ્ચે મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને DDO અંચુ વિલ્સન બંને વિદેશ રજા પર હોવાની બાબત ભારે ચર્ચામાં આવી છે.

મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિ છેલ્લા પાંચ દિવસથી વિદેશ પ્રવાસે છે અને તેઓ 1 સપ્ટેમ્બર સુધી રજા પર રહેશે. તેમના કિસ્સામાં જરૂરી કાનૂની મંજૂરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે, અને તેમની ગેરહાજરી દરમિયાન જિલ્લા વહીવટ ચલાવવા માટે મહેસાણા મ્યુનિસિપલ કમિશનરને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

બીજી તરફ, મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) અંચુ વિલ્સન 3 ઓગસ્ટથી વિદેશ રજા પર ગયા છે, પરંતુ વહીવટી વર્તુળોમાં એવી ચર્ચા છે કે તેમણે વિદેશ પ્રવાસ માટે જરૂરી પૂર્વ મંજૂરી મેળવી નહોતી. જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી બાકી છે, પરંતુ નવો નિયમ અમલમાં આવ્યા બાદ જો પૂર્વ મંજૂરી વગર ગયા હોવાનું સાબિત થશે તો મામલો ગંભીર બની શકે છે.

સરકારના નવા આદેશ મુજબ, અંગત હેતુસર વિદેશ પ્રવાસ માટે ઓછામાં ઓછા 45 દિવસ પહેલાં ઓનલાઈન અરજી કરવી પડશે અને માત્ર રજા મંજૂર થવી પૂરતી નથી, પરંતુ વિદેશ જવા માટે સક્ષમ સત્તાધિકારીની અલગથી પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે. અરજીમાં પ્રવાસનો ચોક્કસ હેતુ અને ખર્ચની વ્યવસ્થા ક્યાંથી કરવામાં આવશે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવી અનિવાર્ય બનાવવામાં આવી છે.

સરકારના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરવો એ ગંભીર ગેરવર્તણૂક ગણાશે અને સંબંધિત અધિકારી કે કર્મચારી સામે શિસ્તવિષયક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સરકારી શિસ્ત અને વહીવટી નિયમો

સરકારી સેવામાં પારદર્શિતા અને જવાબદેહી જાળવવા માટે વહીવટી અધિકારીઓએ તમામ પ્રોટોકોલ અને વિદેશ પ્રવાસ સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અત્યંત આવશ્યક છે.