Loading Please Wait !!!
ગુજરાતની ૯ નવી મહાનગરપાલિકાને સરકારની મોટી ભેટ

  • ૧૧ જરૂરી પ્રોજેક્ટ્સ માટે સરકારી જમીન હવે મળશે વિનામૂલ્યે
  • આગામી ૫ વર્ષ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા થઈ સરળ
  • મહેસાણા, મોરબી, નડિયાદ સહિતની ૯ મહાનગરપાલિકાઓને મળશે લાભ

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાત સરકારે રાજ્યની ૯ નવી રચાયેલી મહાનગરપાલિકાઓને આર્થિક અને માળખાકીય રીતે સુદ્રઢ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવેથી આ મહાનગરપાલિકાઓને નાગરિક સુવિધાના ૧૧ જેટલા મહત્વના પ્રોજેક્ટ્સ ઊભા કરવા માટે સરકારી જમીન તદ્દન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. આ નિર્ણયનો લાભ મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદર મહાનગરપાલિકાને મળશે. આ તમામ શહેરો હાલમાં ટ્રાન્ઝિશન ફેઇઝમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આ નિર્ણય તેમને સર્વાંગી વિકાસ માટે મોટું પ્રોત્સાહન પૂરું પાડશે.

સરકારના આ અભિગમથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર જમીન ખરીદીનું મોટું આર્થિક ભારણ ઘટશે, જેનાથી તેઓ અન્ય મહત્વના વિકાસ કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ જ જમીન ફાળવણીની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે, જેથી આગામી ૫ વર્ષમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનું નિર્માણ ઝડપથી થઈ શકે. આ નિર્ણયથી નાગરિકોને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ મળવાનો માર્ગ મોકળો થયો છે.

આ યોજના હેઠળ જે ૧૧ મુખ્ય પ્રોજેક્ટ્સ માટે જમીન મળશે તેમાં નગર સેવા સદનની નવી કચેરી, ફાયર સ્ટેશન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, આંગણવાડી, ટાઉન હોલ અને કન્વેન્શન સેન્ટર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શહેરી વિકાસના કામોને બુલેટ ગતિ આપવાના લક્ષ્ય સાથે લેવાયેલો આ નિર્ણય રાજ્યના શહેરીકરણની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

 

જાહેર સુવિધા અને આર્થિક રાહત રાજ્ય સરકાર દ્વારા ૧૧ જાહેર પ્રોજેક્ટ્સ માટે જમીન વિનામૂલ્યે આપવાના નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓને મોટું આર્થિક પીઠબળ મળશે. ફાયર સ્ટેશન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર, વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, ટાઉન હોલ અને આંગણવાડી જેવા પ્રોજેક્ટ્સ હવે ઝડપથી પૂર્ણ થઈ શકશે. જમીનની કિંમત બચવાથી પાલિકાઓ આ નાણાંનો ઉપયોગ અન્ય નગર સુધારણાના કામોમાં કરી શકશે, જેનાથી શહેરના નાગરિકોને મળતી સુવિધાઓમાં નોંધપાત્ર ગુણવત્તા અને ઝડપ આવશે.