ખાનગી સ્કૂલ-કોલેજના NCC કેડેટ્સ માટે મોટો નિર્ણય: નેશનલ કેમ્પનો 100% ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાત સરકારે રાજ્યની ખાનગી સ્કૂલો અને કોલેજોમાં અભ્યાસ કરતા નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લીધો છે. હવે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના NCC કેડેટ્સ જ્યારે રાષ્ટ્રીય કક્ષાના વિવિધ કેમ્પોમાં ભાગ લેવા જશે, ત્યારે તેમના સમગ્ર પ્રવાસ અને કેમ્પનો 100 ટકા ખર્ચ રાજ્ય સરકાર પોતે ભોગવશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે.
અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, સરકારી સ્કૂલો અને કોલેજોના NCC કેડેટ્સ જ્યારે રિપબ્લિક ડે કોન્ટિન્જેન્ટ (RDC), થલ સૈનિક કેમ્પ, વાયુ સૈનિક કેમ્પ, નેવી સૈનિક કેમ્પ, યુથ એકસચેન્જ પ્રોગ્રામ કે અન્ય રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પસંદગી પામતા ત્યારે તેમને મુસાફરી, મિસિંગ, જર્ની રેશન, ઈન્સિડેન્ટલ અને પીઓએલ (POL) ચાર્જીસ સહિતના ભથ્થા કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવતા હતા. પરંતુ ખાનગી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને કેન્દ્ર તરફથી આવું કોઈ ભથ્થું મળતું ન હતું. પરિણામે, કેડેટ્સે પોતે અથવા ખાનગી સંસ્થાએ આર્થિક બોજ ઉઠાવવો પડતો હતો.
રાષ્ટ્રીય સ્તરના કેમ્પની પસંદગી માટે 4 થી 5 સ્પર્ધાત્મક તબક્કાઓ પાર કરવા પડતા હોવાથી ખાનગી સંસ્થાઓના તેજસ્વી કેડેટ્સ યોગ્યતા હોવા છતાં આર્થિક ભારણને લીધે રાષ્ટ્રીય કેમ્પોમાં જવાનું ટાળતા હતા. તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળે તે હેતુથી NCC નિયામક કચેરી દ્વારા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂરી આપી સરકારે ખાનગી સંસ્થાઓના કેડેટ્સ માટે પણ 100 ટકા ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો છે, જેનાથી આગામી સમયમાં યુવાનોમાં NCC માં જોડાવાનો ઉત્સાહ વધશે.
ખાનગી સ્કૂલના NCC કેડેટ્સનો ખર્ચ સરકાર ભોગવશે
રાજ્ય સરકારે ખાનગી સ્કૂલો અને કોલેજોના NCC કેડેટ્સ માટે નેશનલ કેમ્પોમાં ભાગ લેવાનો તમામ 100% ખર્ચ ભોગવવાનો ઠરાવ કર્યો છે. અગાઉ કેન્દ્ર સરકાર માત્ર સરકારી સંસ્થાઓના કેડેટ્સને જ ભથ્થા ચૂકવતી હતી. હવે ખાનગી સંસ્થાના વિદ્યાર્થીઓને પણ મુસાફરી અને મેસિંગ ખર્ચ સરકાર આપશે, જેથી આર્થિક ભારણ ઘટશે અને સમાન તક મળશે.