વિધાનસભા સત્ર માટે MLA ચૈતર વસાવાને 7 દિવસના જામીન: હાઇકોર્ટે આપી મોટી રાહત
-
વિધાનસભાના ચોમાસુ સત્રમાં ભાગ લેવા માટે હાઇકોર્ટે 1 અઠવાડિયાના હંગામી જામીન મંજૂર કર્યા
-
કોર્ટે સ્પષ્ટ તાકીદ કરી કે ચૈતર વસાવા ગાંધીનગર છોડી શકશે નહીં અને રાજકીય નિવેદનબાજી નહીં કરે
-
સરકારે 3 દિવસના સત્ર માટે 3 દિવસના જામીનની માંગ કરી હતી પરંતુ કોર્ટે 7 દિવસની રાહત આપી
સિટી ન્યુઝ @ અમદાવાદ
ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં ઉપસ્થિત રહેવા માટે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટે ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત થાય તે તારીખથી લઈને કુલ 7 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો અને ખંડણી ઉઘરાવવાના કેસમાં નર્મદા સેશન્સ કોર્ટે તેમને 7 વર્ષની કેદની સજા ફટકારી હોવાથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારની બેવડી નીતિ સામે આકરી નારાજગી વ્યક્ત કરી હતી. અદાલતે સવાલ કર્યો હતો કે એક તરફ રાજ્ય વિધાનસભા સત્રમાં ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવે છે અને બીજી તરફ સરકારી વકીલ કોર્ટમાં હંગામી જામીનનો આકરો વિરોધ કરે છે, આવું બેવડું વલણ શા માટે? તેના જવાબમાં સરકારી વકીલે નિયમ મુજબ આમંત્રણ આપવું ફરજિયાત હોવાની દલીલ કરી હતી અને 3 દિવસના સત્ર માટે માત્ર 3 દિવસના જ જામીન આપવા રજૂઆત કરી હતી.
હાઇકોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાની સાથે અત્યંત કડક શરતો પણ લાદી છે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ જામીન સમયગાળા દરમિયાન કોઈપણ સંજોગોમાં ગાંધીનગરની હદ છોડી શકશે નહીં. આ ઉપરાંત તેઓ લોકોની જાહેરસભાને સંબોધી શકશે નહીં કે કોઈપણ પ્રકારની રાજકીય ગતિવિધિઓમાં સક્રિય ભાગ લઈ શકશે નહીં.
અદાલતે મીડિયા ઇન્ટરવ્યૂ અંગે ખાસ ટકોર કરતાં આદેશ આપ્યો હતો કે ચૈતર વસાવાનો કોઈપણ પ્રકારનો મીડિયા ઇન્ટરવ્યૂ થવો જોઈએ નહીં. અગાઉ હાઇકોર્ટની સુનાવણીનું ખોટું રિપોર્ટિંગ થયું હોવા અંગે પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. ધારાસભ્યના વકીલે તમામ કડક શરતોનું ચુસ્તપણે પાલન કરવાની લેખિત બાહેંધરી અદાલત સમક્ષ રજૂ કરી હતી.
આ કેસની વિગત મુજબ, જંગલની જમીન અને પાકના વળતરના વિવાદમાં ફોરેસ્ટ અધિકારીઓને ઘરે બોલાવી માર મારવા, હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરવા અને ધમકાવીને રૂ. 60000 કઢાવવાના આરોપસર ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને નર્મદા કોર્ટે 7 વર્ષની કેદ ફટકારી હતી. 23 જૂન 2026 થી તેઓ વડોદરા જેલમાં સજા કાપી રહ્યા છે, જ્યાંથી હવે તેઓ સત્ર પૂરતા બહાર આવશે.
ચૈતર વસાવાને વિધાનસભા સત્ર માટે જામીન
વિધાનસભા સત્રમાં હાજરી આપવા હાઇકોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને 7 દિવસના હંગામી જામીન આપ્યા છે. કોર્ટે સરકારના બેવડા વલણ પર ટકોર કરી હતી. વડોદરા જેલમાં 7 વર્ષની સજા ભોગવી રહેલા ચૈતર વસાવા પર ગાંધીનગર ન છોડવા તેમજ મીડિયાને ઇન્ટરવ્યૂ કે સંબોધન ન કરવાની કડક શરતો લાદવામાં આવી છે.