આકાર ઇવેન્ટ્સ રાજકોટની પ્રસ્તુતિ ગુજરાતી ફિલ્મ `લક્ષ્યવેધ' 8મેએ રિલીઝ
- પારિવારિક સંબંધો અને અંગત સ્વાર્થ વચ્ચે ખેલાતી ઘાતકી રમતની કથા
- યોગેશ મહેતાની પટકથા અને નયન ભટ્ટના દિગ્દર્શનનો અદભુત સંગમ
સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજરાતી અર્બન સિનેમાના બદલાતા પ્રવાહમાં વધુ એક સોનેરી પીંછું ઉમેરવા આકાર ઈવેન્ટ્સ (રાજકોટ) પ્રસ્તુત સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ 'લક્ષ્યવેધ' સજ્જ છે. આગામી 8 મે 2026 ના રોજ ગુજરાતભરમાં રિલીઝ થનારી આ ફિલ્મ ગુણવત્તા અને વાર્તાના સ્તરે એક નવો માપદંડ સ્થાપિત કરશે તેવી પ્રબળ શક્યતા છે.
એક હસતા-રમતા સુખી કુટુંબમાં જ્યારે અંગત લાલચ માટે કાવાદાવા શરૂ થાય અને ઘરના સભ્યો જ એકબીજા સામે રમત રમવા લાગે, ત્યારે સર્જાતી પરિસ્થિતિ આ ફિલ્મનો મુખ્ય આધાર છે. પોતાના સ્વાર્થ માટે નૈતિક મૂલ્યોને નેવે મૂકનાર વિશ્વાસઘાતીઓને સજા અપાવવા માટે રમાતી 'રમત સામેની વળતી રમત' એટલે 'લક્ષ્યવેધ'.
યોગેશ મહેતા લિખિત આ સામાજિક રહસ્યકથાને ભારતના જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટે કર્ણપ્રિય સંગીતથી મઢી છે. દિગ્દર્શક નયન ભટ્ટે આ રહસ્યના તાણાવાણાને ખૂબ જ રોમાંચક રીતે પડદા પર ઉતાર્યા છે. ફિલ્મના નિર્માતા નયન ભટ્ટ અને મૃણાલિની ભટ્ટ છે, જ્યારે સહ-નિર્માતા તરીકે આર્ટ કોર્પોરેશનના નિલેશ ચોવટીયા જોડાયેલા છે. અનુભવી કલાકારોના ઉત્કૃષ્ટ અભિનયથી આ કથા વધુ જીવંત બની છે.
ગુજરાતી અર્બન સિનેમામાં અલગ ભાત પાડતી આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ પ્રેક્ષકોને અંત સુધી સીટ સાથે જકડી રાખશે. એક સુખી કુટુંબમાં ખેલાતો ઘાતકી ખેલ અને ત્યારબાદ ન્યાય માટેનો સંઘર્ષ જોવો એ પ્રેક્ષકો માટે એક યાદગાર અનુભવ બની રહેશે. રહસ્યકથાના શોખીનો 8 મેના રોજ સિનેમાઘરોમાં આ રોમાંચક સફર માણી શકશે.