Loading Please Wait !!!
વરરાજાએ મીઠાઈ ખાવામાં નખરાં કર્યા : દુલ્હને સ્ટેજ પર જ લાફો ઝીંકી દીધો !

સિટી ન્યૂઝ@નવી દિલ્હી : ભારતીય લગ્નોમાં પરંપરાઓ અને રીત-રિવાજોની સાથે ક્યારેક એવી રમુજી ઘટનાઓ બની જાય છે જે આખી જિંદગી માટે યાદગારબની જતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક દેશી લગ્નનો એવો જ રમુજી વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સામાન્ય મીઠાઈ ખવડાવવાની વિધિ અચાનક હાસ્યના દ્રશ્યોમાં ફેરવાઈ ગઈ હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા સ્ટેજ પર પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ઊભા છે. લગ્નની વિધિઓ ચાલી રહી છે અને ચારેબાજુ ખુશીનો માહોલ છે. આ દરમિયાન મીઠાઈ ખવડાવવાની રસ્મ શરૂ થાય છે. કન્યા ખૂબ જ પ્રેમથી અને મરક-મરક હસતા વરરાજાને મીઠાઈ ખવડાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ વરરાજા કંઈક અલગ જ મૂડમાં હોય તેમ લાગે છે.

સામાન્ય રીતે આવી વિધિઓમાં વર-કન્યા એકબીજા સાથે મજાક કરતા હોય છે, પરંતુ અહીં વરરાજાએ નખરા કરવામાં હદ વટાવી દીધી. કન્યા વારંવાર મીઠાઈ મોઢા પાસે લઈ જતી હતી, પણ વરરાજા મોઢું ફેરવી લેતા હતા. શરૂઆતમાં કન્યાએ આ બધું હસતા મુખે સહન કર્યું, પણ જ્યારે વરરાજા લાંબો સમય સુધી માની ન રહ્યા ત્યારે કન્યાનો ધીરજ ખૂટી ગઈ.

વીડિયોમાં જોવા મળે છે કે વરરાજાના સતત નખરાથી કંટાળીને કન્યાએ અચાનક ગુસ્સામાં આવી વરરાજાને એક જોરદાર થપ્પડ લગાવી દીધી. આ જોઈને સ્ટેજ પર હાજર મહેમાનો અને સંબંધીઓ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. કોઈને સમજાયું જ નહીં કે હજી તો રમત ચાલતી હતી ત્યાં આ શું થઈ ગયું! જોકે, સૌથી વધુ રમુજી દ્રશ્ય તો થપ્પડ ખાધા પછી જોવા મળ્યું. થપ્પડ ખાધા પછી વરરાજા જે રીતે એકદમ શાંત અને માસૂમ ચહેરો બનાવીને ઊભા રહી ગયા, તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ હસી-હસીને લોટપોટ થઈ રહ્યા છે. લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે, "આ તો લગ્ન પછીના જીવનનું ટ્રેલર છે." તો કોઈ કહી રહ્યું છે કે વરરાજાની માસૂમિયત જોવા જેવી છે. ભારતીય લગ્નોનો આ વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર જોરદાર ધૂમ મચાવી રહ્યો છે.