ભાજપમાં ચૂંટણી જીતેલા નેતાઓના પરિવારોને સંગઠનના હોદ્દા છોડવા ફરમાન !
- પાર્ટી ડિસિપ્લિન પર ભાર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોના પરિવારમાંથી કોઈ સંગઠન હોદ્દા ઉપર વ્યક્તિએ રાજીનામું આપવું પડશે
- ભાજપનો મોટો નિર્ણય રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં 50થી વધુ નેતાઓને રાજીનામા આપવા પડશે
સિટી ન્યૂઝ@રાજકોટ : તાજેતરમાં સંગઠન સંરચના અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પરિવારવાદને જાકારો આપવાના હેતુથી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા એવી મહત્વપૂર્ણ જાહેરાત કરાઇ હતી કે જે વ્યક્તિના પરિવારમાંથી અન્ય કોઇ પરિવારજન સંગઠનમાં હોદ્દા ઉપર હશે તે પરિવારના અન્ય સભ્યને હોદ્દો અપાશે નહીં. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે એવી જાહેરાત કરાઇ હતી કે જેમના પરિવારમાં થી કોઈ વ્યક્તિ સંગઠનમાં હોદ્દા ઉપર છે તેમ છતાં તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાઇ છે તો ચૂંટણી જીત્યા બાદ તે પરિવારના સંગઠનમાં હોદ્દા ઉપર રહેલા વ્યક્તિએ રાજીનામું આપવું પડશે. વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લા ભાજપમાં જો પ્રદેશના ઉપરોક્ત નિયમોની કડક અમલવારી કરવામાં આવશે તો તાલુકા તેમજ જિલ્લા લેવલે કુલ અંદાજે ચાલીસથી પચાસ જેટલા નેતાઓએ સંગઠન માળખામાંથી રાજીનામા આપવા પડશે અને નવેસરથી નિમણૂકો કરવી પડશે. હાલ તો પ્રદેશથી લઈને સ્થાનિક સ્તર સુધી સમગ્ર ભાજપ પી.એમ.ના તા.૧૧-મે ના સોમનાથ કાર્યક્રમને લઇને તૈયારીઓમાં વ્યસ્ત છે અને તેવા કારણોસર જ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની મિટિંગ પણ મોકૂફ રહેતા મહાપાલિકા, નપા, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતમાં નવા પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા પણ વિલંબિત થઇ છે. અલબત્ત આ પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજીનામા લેવાનો દોર શરૂ થશે તેમ જાણવા મળે છે.