જેતપર ખેડૂતોના સમર્થનમાં હળવદ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ
ખાનગી વીજ કંપની સામે 14 દિવસથી ચાલી રહેલા આંદોલનનો ગરમાવો વધ્યો
રેલી કાઢીને ખેડૂતોની ઉપવાસી છાવણી સુધી પહોંચશે વેપારીઓનો કાફલો
આગામી દિવસોમાં અનિશ્ચિત મુદ્દત માટે યાર્ડ બંધ રાખવાની વેપારીઓની તૈયારી
સિટી ન્યુઝ @ મોરબી
મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેતરોમાં ઉભા કરવામાં આવતા વીજપોલ સામે યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ ખેડૂત આંદોલનને વેગ આપવા માટે આજે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓએ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે દિવસ દરમિયાન યાર્ડમાં હરાજી સહિતની તમામ વ્યાપારી કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. આ આંદોલનમાં વેપારીઓ પણ સક્રિયપણે જોડાયા છે.
આ ખેડૂત હિતલક્ષી સંઘર્ષને ટેકો આપવા માટે આજે સાંજે હળવદ માર્કેટ યાર્ડથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં વેપારીઓ કાર, બાઇક અને ટ્રેક્ટર સાથે જોડાઈને જેતપર ગામે આવેલી ખેડૂતોની ઉપવાસી છાવણી સુધી જશે. હળવદ વેપારી મહામંડળના ઉપપ્રમુખ ભીખાભાઈ સંઘાણીએ સ્પષ્ટતા કરી છે કે, ખેડૂતોની માંગ વાજબી છે અને સરકાર આ મામલે વહેલી તકે દરમિયાનગીરી કરે તે અત્યંત જરૂરી છે.
વેપારી મહામંડળે સરકારને કડક ચીમકી ઉચ્ચારી છે કે, જો ખેડૂતોના આંદોલનનો જલ્દીથી સુખદ અંત નહીં આવે, તો આગામી સમયમાં વેપારીઓ દ્વારા અનિશ્ચિત મુદ્દત માટે હળવદ માર્કેટ યાર્ડ બંધ રાખવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. ખેડૂતો અને વેપારીઓની આ એકતાથી હવે સ્થાનિક તંત્ર પર દબાણ વધ્યું છે. જેતપરના આંદોલનકારી ખેડૂતોની માંગ સ્વીકારવા માટે હવે વેપારી આલમ પણ મક્કમ જણાઈ રહી છે.
આંદોલનનો મુખ્ય મુદ્દો
મોરબીના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવા સામે ખેડૂતોમાં ભારે વિરોધ છે. ખેડૂતોની મુખ્ય માંગ પૂરતા વળતરની છે. છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલું આ આંદોલન હવે હળવદના વેપારીઓના સમર્થનથી વધુ વ્યાપક બન્યું છે. વેપારીઓની આ એકતા ખેડૂતોના સંઘર્ષને નવું બળ પૂરું પાડી રહી છે, જે સરકાર માટે આગામી સમયમાં મહત્વનો નિર્ણય લેવાનું દબાણ ઊભું કરે છે.