ગુજરાતમાં ચોમાસાની જમાવટ: વાવ-થરાદ અને વલસાડમાં મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ!
-
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સવારે ૬ થી ૧૦ વાગ્યા દરમિયાન ૧૩૯ તાલુકાઓમાં નોંધાયો વરસાદ.
-
બનાસકાંઠાના દિયોદરમાં સૌથી વધુ ૫૦ મિ.મી., લાખાણીમાં ૪૭ મિ.મી. અને રહમાં ૪૫ મિ.મી. વરસાદ વરસ્યો.
-
દક્ષિણ ગુજરાતના વલસાડ પંથકના નાનાપોંઢામાં ૪૩ મિ.મી. અને કપરાડામાં ૩૪ મિ.મી. વરસાદ નોંધાયો.
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ, તા. ૨૫ ગુજરાતમાં ચોમાસું પૂર જોશમાં સક્રિય થઈ ગયું છે, જેના કારણે આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા દરમિયાન રાજ્યના ૧૩૯ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને બનાસકાંઠાના સરહદી વાવ-થરાદ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વાપી-વલસાડ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેનાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સવારના ૪ કલાક દરમિયાન બનાસકાંઠાના દિયોદરમાં સૌથી વધુ ૫૦ મિ.મી. (આશરે ૨ ઈંચ) વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વાવ-થરાદ ક્ષેત્રના લાખાણીમાં ૪૭ મિ.મી. અને રહ તાલુકામાં ૪૫ મિ.મી. વરસાદ ખાબક્યો છે. ધાનેરા અને ઓગડમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાનું જોર યથાવત રહ્યું છે. વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં ૪૩ મિ.મી. અને કપરાડામાં ૩૪ મિ.મી. વરસાદ નોંધાયો છે. બીજી તરફ અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરા તાલુકામાં સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન જ સીધો ૩૦ મિ.મી. વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
નવસારીના ખેરગામમાં ૨૬ મિ.મી., ડાંગના સુબિરમાં ૨૫ મિ.મી. અને પાટણના સાંતલપુરમાં ૨૪ મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ખેડા, અમદાવાદ ગ્રામ્ય, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ૧૦ થી ૨૩ મિ.મી. સુધીનો હળવોથી મધ્યમ વરસાદ વરસી ગયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરી સંભાવના છે, જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી ખેતી ક્ષેત્રને જીવતદાન
રાજ્યમાં વરસી રહેલા આ સાર્વત્રિક અને સમયસરના વરસાદને કારણે કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો થયો છે અને પાક માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે.