ભાવનગરમાં માત્ર બે ઈંચ વરસાદમાં જળબંબાકાર, મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
- કાળિયાબીડ અને કરચલિયા પરામાં રસ્તાઓ નદી બન્યા, વાહનચાલકોની હાલત કફોડી
- ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રના પ્રિ-મોન્સૂન દાવાઓ ધોઈ નાખ્યા
- તંત્રની બેદરકારીને કારણે ગામડાઓમાં 4 કલાક વીજળી ડૂલ, પીજીવીસીએલ સામે રોષ
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર શહેરમાં આજે સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. માત્ર દોઢથી બે કલાકમાં શહેર પર 47 મિ.મી. એટલે કે બે ઈંચ જેટલું પાણી ખાબકતા જનજીવન પર માઠી અસર પડી હતી. આ પ્રથમ શ્રીકાર વર્ષાના એક તરફ નગરજનોએ વધામણાં કર્યા હતા, તો બીજી તરફ મનપા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. કાળિયાબીડ અને કરચલિયા પરા જેવા અનેક વિસ્તારોમાં પાંચ-છ ઈંચ વરસાદ પડ્યો હોય તેવી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકો ફસાયા હતા અને પાણી ઓસરવામાં કલાકો વીતી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
જેસર પંથકમાં પણ વીજળીના કડાકા-ભડકા સાથે પોણો ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, અહીં તંત્રની કામગીરી કાગળ પર હોવાની ફરિયાદો ઉઠી છે. વરસાદ શરૂ થતાની સાથે જ ચાર કલાકથી વધુ સમય માટે વીજળી ડૂલ થઈ ગઈ હતી. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો વાવણી લાયક વરસાદ થતા ખુશખુશાલ થઈ ગયા હતા. ચીરોડા, સનાળા, રાજપરા, ઝડકલા, કાત્રોડી, છાપરિયાળી, કરજાળા, દેપલા, રાણીગામ, બીલા, સરેરા અને તાતણિયા સહિતના ગામોમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી. આ ઉપરાંત ઘોઘામાં 8 મિ.મી. અને ગારિયાધારમાં 1 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
મહુવા તાલુકાના ડેમ વિસ્તારોમાં પણ આજે મેઘરાજાએ શ્રીગણેશ કર્યા હતા. માલણ અને રોજકી ડેમ વિસ્તારમાં અર્ધો ઈંચ (10 મિ.મી.) તેમજ લાખણકા ડેમ વિસ્તારમાં પોણો ઈંચ (20 મિ.મી.) જેટલો વરસાદ વરસતા ડેમ વિસ્તારોમાં પાણીની આવક થવાની આશા બંધાઈ છે. ચોમાસાના આ પ્રારંભિક વરસાદે ખેડૂતોમાં ઉત્સાહ જગાવ્યો છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તંત્રની કામગીરી સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
તંત્રના દાવાઓ સામે પાણીની વાસ્તવિકતા
દરેક ચોમાસા પહેલા મનપા અને તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ શહેરના રસ્તાઓ પર ભરાતા પાણી તંત્રની પોલ ખોલી નાખે છે. માત્ર બે ઈંચ વરસાદમાં જ શહેરની આવી દશા થવી તે વહીવટી તંત્રના આયોજન પર ગંભીર સવાલ ઊભા કરે છે. જ્યારે લાખો લોકો ટેક્સ ભરી રહ્યા હોય, ત્યારે તેમને રસ્તા પરની આવી મુશ્કેલીમાંથી મુક્તિ મળે તેવી વ્યવસ્થા કરવી તે તંત્રની પ્રાથમિક જવાબદારી છે.