અમદાવાદમાં મેઘરાજાનું તાંડવ: પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકાર, ખેતરો તળાવમાં ફેરવાયા!
-
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદને કારણે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જાઈ.
-
અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા વિશાળ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા.
-
ઘુમાથી મણિપુરને જોડતા માર્ગ પર પાણી ભરાવાથી સ્થાનિક ખેડૂતો અને રહીશો મુશ્કેલીમાં મુકાયા.
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકાર જેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના વિસ્તારોમાં પુષ્કળ પાણી ભરાતા આસપાસના ખેતરો સંપૂર્ણપણે તળાવમાં ફેરવાઈ ગયા છે. આ વિસ્તારના અવકાશી દ્રશ્યોમાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
ઘુમાથી મણિપુરને જોડતા માર્ગની આસપાસ આવેલા ખેતરો જળમગ્ન બનવાથી સ્થાનિક ખેડૂતોને પાક નુકસાન જવાની મોટી આશંકા સતાવી રહી છે. બીજી તરફ, સંસ્કારધામ પાછળ આવેલ AUDA નું તળાવ પણ વરસાદી પાણીથી સંપૂર્ણપણે છલકાઈ ગયું છે. અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ પણ વરસાદી માહોલ યથાવત રહેતાં હવામાન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
વરસાદી પાણીના નિકાલ માટે તંત્રની કામગીરી
શહેરમાં સર્જાયેલી આ જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે જેથી નાગરિકોને રાહત મળી શકે.