Loading Please Wait !!!
નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટ લાલઘૂમ: મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા શંકાસ્પદ

  • કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી, કહ્યું - આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરો
  • નાસીરનગર ડિમોલિશન કેસમાં 150 પરિવારોની વેદના પર કોર્ટની ગંભીર ટિપ્પણી
  • રાજ્ય સરકારની તપાસ સમિતિ પર કોર્ટે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો, ખાનગી હિતોનો આક્ષેપ

સિટી ન્યુઝ @ સુરત

સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કોર્ટે લાલ આંખ કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે રાજ્ય સરકાર હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે. સરકાર દ્વારા પુનર્વસન માટે 120 ફ્લેટ ખાલી હોવાની અને હાઈલેવલ કમિટી બનાવવાની રજૂઆત સામે કોર્ટે અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે, જે અધિકારી સામે ગંભીર આક્ષેપો હોય, તે હોદ્દા પર ચાલુ રહે તો નિષ્પક્ષ તપાસ કેવી રીતે શક્ય છે?

સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે, નાનો કર્મચારી કમિશનર પર આક્ષેપ કરતી ખોટી એફિડેવિટ કરવાની હિંમત કરી શકે નહીં. 150 પરિવારોને કાયદાકીય પ્રક્રિયા વગર રોડ પર લાવી દેવાયા તે અત્યંત ગંભીર બાબત છે. ખાનગી જમીન માલિકોના હિતમાં કોર્પોરેશનનો ઉપયોગ થયો હોવાનું જણાઈ આવે છે. કોર્ટે એ પણ પૂછ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરે મેસેજ ફોરવર્ડ કર્યો તેને નકાર્યો નથી, તો પછી તપાસ શા માટે નહીં?

કોર્ટે સરકારને આડે હાથ લેતા કહ્યું કે, પુનર્વસનનો ખર્ચ રાજ્ય કે લોકોના ખર્ચે નહીં, પરંતુ આ ગેરકાયદેસર કાર્યવાહી માટે જવાબદાર દોષિતોના ખર્ચે થવો જોઈએ. સરકાર કોને બચાવવા માંગે છે તેવો સવાલ ઉઠાવી કોર્ટે તપાસ સમિતિની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો કર્યા હતા. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ તેમ જણાવી કોર્ટે આ સમગ્ર પ્રકરણમાં પારદર્શિતા લાવવા કડક સૂચના આપી હતી.