Loading Please Wait !!!
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપનું જોર: 9 બેઠકો પર જંગ

  • 15 જુલાઈએ મતદાન અને 17 જુલાઈએ થશે પરિણામની જાહેરાત
  • ભાજપના દિગ્ગજો મેદાને, ઉમેદવારોએ જીત માટે લગાવી તાકાત
  • મુકેશ પટેલ અને ગણપત વસાવાએ સંભાળી ચૂંટણીની જવાબદારી

સિટી ન્યુઝ @ સુરત

સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી હવે તેના અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા બાદ, બાકી રહેલી 9 બેઠકો માટે બુધવારે 15 જુલાઈએ સવારના 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને અન્ય ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીના પરિણામો આગામી 17 જુલાઈના રોજ સવારે 11 વાગ્યાથી જાહેર કરવામાં આવશે.

ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીને પોતાની પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધી છે. ભાજપ પ્રેરિત પેનલને વિજયી બનાવવા માટે પ્રદેશ અને જિલ્લા કક્ષાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાને ચૂંટણીના કન્વીનર તરીકેની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ સતત ચૂંટણી પ્રક્રિયા અને પ્રચાર પર નજર રાખી રહ્યા છે. ભાજપના અન્ય વગદાર નેતાઓ પણ ઉમેદવારોના સમર્થનમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ચૂંટણીના અંતિમ દિવસે ઉમેદવારો દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક અને લોબિંગ તેજ કરવામાં આવ્યું હતું. સહકારી ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટે 'શામ-દામ, દંડ અને ભેદ'ની તમામ નીતિઓ અપનાવવામાં આવી રહી છે. આ ચૂંટણી માત્ર સુમુલ ડેરીના સંચાલન પૂરતી સીમિત નથી, પરંતુ સુરત અને તાપી જિલ્લાના ગ્રામીણ રાજકારણ પર વર્ચસ્વ જમાવવા માટેની લડાઈ બની ગઈ છે. મતદારોનું વલણ શું રહેશે અને કયા ઉમેદવારો બાજી મારી જશે, તે અંગે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

મતદાન અને ગણતરીની વિગતો સુમુલ ડેરીની ચૂંટણી માટે કુલ 16 માંથી 9 બેઠકો પર મતદાન થશે. મતદાન માટે સવારે 9 થી સાંજે 4 વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. 17 જુલાઈએ સુમુલ ડેરીના બેન્કવેટ હોલ ખાતે ચૂંટણી અધિકારી નેહા સવાણીની દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણી સુરત અને તાપી જિલ્લાના ગ્રામીણ સહકારી રાજકારણનું ભવિષ્ય નક્કી કરશે, જેમાં ભાજપ પ્રેરિત પેનલ અને પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે.