ભાવનગરમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે શ્રાવણનો પ્રારંભ
-
શહેર અને જિલ્લાના શિવાલયોમાં જળાભિષેક માટે લાંબી લાઈનો
-
ભગવાનેશ્વર, કૃષ્ણેશ્વર અને જશોનાથ મંદિરે ભક્તોનું મહેરામણ
-
શિવાલયો આકર્ષક રોશની અને રંગરોગાનથી શણગારાયા
સિટી ન્યુઝ @ ભાવનગર
દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભાવનગર શહેર તેમજ જિલ્લાના નાના-મોટા શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે 'હર હર મહાદેવ' અને 'જય ભોલેનાથ'ના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે.
શ્રાવણ માસ નિમિત્તે શહેરના તમામ શિવાલયોને રંગરોગાન કરીને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. સવારથી જ સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ, હલુરિયા ચોક સ્થિત કૃષ્ણેશ્વર મહાદેવ, ચંદ્રેશ્વર મહાદેવ, જશોનાથ મહાદેવ તેમજ ભીડભંજન નારેશ્વર મહાદેવ મંદિર સહિતના ધાર્મિક સ્થાનો પર જળાભિષેક અને બિલિપત્ર અર્પણ કરવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી.
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ શ્રાવણ માસ દરમિયાન માત્ર એક લોટો જળ અને બિલિપત્ર અર્પણ કરવાથી પણ ભગવાન આશુતોષ પ્રસન્ન થાય છે. આ પવિત્ર માસ દરમિયાન સમગ્ર ગોહિલવાડમાં એક મહિના સુધી વિશિષ્ટ પૂજા-અર્ચના, શિવધૂન અને ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભક્તિ અને આસ્થાનો ભવ્ય માહોલ જોવા મળશે.
શહેરના પ્રાચીન મંદિરોમાં શિવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે, જેના દર્શન માટે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની ભીડને ધ્યાને રાખીને દર્શનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આગામી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ મંદિરોમાં શિવપુરાણ કથા, મહામૃત્યુંજય જાપ અને બિલિપત્ર અભિષેક જેવા ધાર્મિક આયોજનો સતત ચાલુ રહેશે, જેનાથી સમગ્ર ભાવનગર શહેર શિવભક્તિના રંગે રંગાયેલું જોવા મળશે.
ભાવનગરમાં હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસનો પ્રારંભ
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ભાવનગર શહેર અને જિલ્લાના શિવાલયોમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું. ભગવાનેશ્વર, કૃષ્ણેશ્વર અને જશોનાથ મહાદેવ સહિતના મંદિરોમાં જળાભિષેક અને બિલિપત્ર ચડાવવા ભક્તોની લાઈનો લાગી હતી. રોશનીથી ઝળહળી ઊઠેલા શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે 'હર હર મહાદેવ'નો નાદ ગુંજી ઊઠ્યો હતો.