Loading Please Wait !!!
અમેરિકા ઈરાન શાંતિ કરારથી 40 જહાજો ભારત તરફ રવાના

  • હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા રાંધણ ગેસની કટોકટી ટળી, ઈરાનની નવી જિદ્દ
  • ભારતની 75% ઊર્જા નિર્ભરતા વચ્ચે ગેસ કટોકટીનો અંત આવ્યો
  • 60 દિવસ પછી ઈરાન ટોલ ટેક્સ વસૂલશે, ભારતની ચિંતા વધી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વિખેરાઈ ગયા છે. આ કરાર સાથે જ અમેરિકાએ ઈરાની બંદરો પરની નાકાબંધી હટાવી લીધી છે, જેનાથી વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે મહત્ત્વનો હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલી ગયો છે. આ માર્ગ ખુલવાથી ભારતની રાંધણ ગેસની કટોકટી ટળી ગઈ છે, પરંતુ ઈરાને 60 દિવસ પછી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની ચીમકી આપતા નવી ચિંતા ઊભી થઈ છે.

ભારત પોતાની 75% ઊર્જા જરૂરિયાતો માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર છે અને યુદ્ધના કારણે રાંધણ ગેસની આયાત 51% જેટલી ઘટી ગઈ હતી. હવે 40 જેટલા LPG અને LNG ટેન્કરો ભારત તરફ આવી રહ્યા છે, જેનાથી પુરવઠો ઝડપથી સામાન્ય થઈ જશે. ક્રૂડ ઓઇલની સરળ ઉપલબ્ધતા અને ઘટતા વીમા ખર્ચથી રિફાઇનિંગ સેક્ટરને મોટો ફાયદો થશે. ખાસ કરીને રાજસ્થાનની નવી બાડમેર રિફાઇનરીમાં ઉત્પાદન વધતા ડીઝલ અને પેટ્રોલની નિકાસને ભારે વેગ મળશે.

ઊર્જા ઉપરાંત કૃષિ ક્ષેત્ર માટે પણ રાહતના સમાચાર છે, કારણ કે ખાતર ભરેલા 16 જહાજો જે અત્યાર સુધી ફસાયા હતા તે ટૂંક સમયમાં ભારત પહોંચશે. આ જહાજોમાં 3.3 લાખ ટન યુરિયા અને 2.57 લાખ ટન ડીએપી સહિતનો મોટો જથ્થો આવી રહ્યો છે. ખરીફ પાકની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકારે અગાઉથી જ 50 લાખ ટન ખાતરની આયાત કરી લીધી હોવાથી ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહેશે અને કૃષિ ક્ષેત્રની ચિંતાઓ હળવી થશે.

ભવિષ્યના સંકટો સામે આગોતરા આયોજનની તાતી જરૂરિયાત

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને હાલની પરિસ્થિતિને ભારત માટે ગંભીર ચેતવણી ગણાવી છે. તેમણે સૂચન કર્યું છે કે ભારતે ભવિષ્યના આવા વૈશ્વિક આંચકાઓથી બચવા માટે મોટા પાયે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ વિકસાવવા પડશે. માત્ર એક જ માર્ગ કે દેશ પર નિર્ભર રહેવાને બદલે ઊર્જા અને ફાર્મા સેક્ટર માટે વૈકલ્પિક સપ્લાય લાઈન અને ઈમરજન્સી પ્લાન તૈયાર રાખવો અત્યંત આવશ્યક છે.