મહિલાઓમાં વધ્યો ગોલ્ડ ETF નો ક્રેઝ: રોકાણ પોર્ટફોલિયોમાં હિસ્સો વધીને 16.4% થયો
-
મહિલાઓ માત્ર પરંપરાગત બચત પૂરતી સીમિત ન રહેતાં માર્કેટ આધારિત સ્કીમ્સમાં જોડાઈ
-
માર્ચ 2025 માં 6.4% ની સરખામણીએ માર્ચ 2026 માં ગોલ્ડ ETF માં ભારે વૃદ્ધિ નોંધાઈ
-
ડિજિટલ ગોલ્ડ અને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં નારી શક્તિનું રોકાણ ઝડપથી વધ્યું
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશભરમાં મહિલાઓની રોકાણ સંબંધિત પ્રાથમિકતાઓ અને આદતોમાં એક મોટો ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. હવે ભારતીય મહિલાઓ માત્ર સોનું ખરીદવા કે પરંપરાગત ફિક્સ્ડ ડિપોઝિટ જેવી બચત પદ્ધતિઓ સુધી સીમિત નથી રહી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર સાથે જોડાયેલા આધુનિક રોકાણ વિકલ્પો તરફ ઝડપથી વળી રહી છે. નાણાકીય સ્વાયત્તતા મેળવવાની દિશામાં મહિલા રોકાણકારો બજાર આધારિત સાધનોમાં ઉત્સાહભેર નાણાં રોકી રહી છે.
ખાસ કરીને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (Gold ETF) મહિલા રોકાણકારો વચ્ચે અત્યંત લોકપ્રિય સાબિત થઈ રહ્યું છે. તાજેતરના આંકડાકીય અહેવાલ મુજબ, માર્ચ 2026 ના અંત સુધીમાં મહિલાઓના એકંદર રોકાણ પોર્ટફોલિયોમાં ગોલ્ડ ETF નો હિસ્સો નોંધપાત્ર રીતે વધીને 16.4 ટકાના સ્તરે પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2025 માં આ હિસ્સો માત્ર 6.4 ટકા જેટલો જ નોંધાયો હતો. આમ, માત્ર 1 જ વર્ષના ટૂંકા ગાળામાં મહિલાઓના ગોલ્ડ ETF રોકાણમાં આશરે અઢી ગણો જંગી ઉછાળો નોંધાયો છે, જે મહિલાઓમાં નાણાકીય જાગૃતિ અને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યેના વધતા ઉત્સાહને દર્શાવે છે.
નાણાકીય વિશ્લેષકોના મતે, ફિઝિકલ ગોલ્ડની સરખામણીએ ગોલ્ડ ETF માં શુદ્ધતાની ખાતરી, સાચવણી કે લોકર ચાર્જનો અભાવ અને ગમે ત્યારે સરળતાથી ખરીદ-વેચાણ (લિક્વિડિટી) ની સુવિધા મળતી હોવાથી મહિલાઓ ડિજિટલ ગોલ્ડ તરફ વધુ આકર્ષાઈ રહી છે.
મહિલાઓમાં ગોલ્ડ ETF નું રોકાણ વધ્યું
ભારતીય મહિલાઓ પરંપરાગત બચત છોડી મ્યુચ્યુઅલ ફંડ અને ગોલ્ડ ETF તરફ વળી છે. મહિલાઓના પોર્ટફોલિયોમાં ગોલ્ડ ETF નો હિસ્સો માર્ચ 2025 માં 6.4% હતો, જે માર્ચ 2026 સુધીમાં અઢી ગણો વધીને 16.4% થઈ ગયો છે. સુરક્ષા અને સરળ લિક્વિડિટીના કારણે આધુનિક રોકાણમાં મહિલાઓની ભાગીદારી તેજીથી વધી રહી છે.
કુલ રોકાણમાં ઝડપી વધારો
ગોલ્ડ ETFમાં મહિલાઓની વધતી ભાગીદારી વ્યાપક રોકાણ વલણનો પણ એક ભાગ છે. આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં ગોલ્ડ ETFમાં રૂા.69,000 કરોડનું નેટ રોકાણ આવ્યું.આ છેલ્લાં પાંચ નાણાકીય વર્ષોમાં કુલ મળીને આવેલાં આશરે રૂા.30,213 કરોડ કરતાં પણ વધુ છે. માર્ચ 2026 સુધીમાં કુલ પેસિવ ફંડ સંપત્તિમાં ગોલ્ડ ETFની ભાગીદારી વધીને 12.5 ટકા થઈ ગઈ, જે એક વર્ષ પહેલાં 5.2 ટકા હતી. ગોલ્ડ ઊઝઋની કુલ સંપત્તિ આશરે રૂા.1.71 લાખ કરોડ પર પહોંચી ગઈ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા અનુસાર, માર્ચ 2026માં ભારતીય ગોલ્ડ ETFમાં આશરે રૂા.2,270 કરોડનું શુદ્ધ રોકાણ આવ્યું.
ચાંદીમાં પણ વધ્યું આકર્ષણ
મહિલાઓના રોકાણમાં માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદી સાથે જોડાયેલા રોકાણ ઉત્પાદનોની પણ લોકપ્રિયતા વધી છે. માર્ચ 2026 સુધીમાં ચાંદી ETFની સંપત્તિ છેલ્લાં વર્ષની સરખામણીએ 4.2 ગણી વધી. ચાંદીનાં ભાવમાં તેજી, ઔદ્યોગિક માંગ અને સુરક્ષિત રોકાણની માંગ આની પાછળનાં મુખ્ય કારણો રહ્યાં છે.મ્યુચ્યુઅલ ફંડમાં 1.61 કરોડ મહિલાઓ
AMFI-CRISIL ફેક્ટબુક 2026 અનુસાર, માર્ચ 2026 સુધીમાં દેશમાં આશરે 1.61 કરોડ મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહી હતી. કુલ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યા આશરે 6.09 કરોડ હતી.મહિલાઓની મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિમાં પણ છેલ્લાં પાંચ વર્ષમાં મોટો વધારો થયો છે. માર્ચ 2021માં મહિલાઓ પાસે મ્યુચ્યુઅલ ફંડની કુલ સંપત્તિ રૂા.5.84 લાખ કરોડ હતી, જે માર્ચ 2026માં વધીને રૂા.15.88 લાખ કરોડ થઈ ગઈ. એટલે કે પાંચ વર્ષમાં તેમાં આશરે રૂા.10.04 લાખ કરોડનો વધારો થયો.
આવી રહી ઉંમર મુજબની તસવીર
* યુવા મહિલાઓ ઇક્વિટીમાં વધુ ભાગીદારી રાખી રહી છે.
* ઉંમર વધવાની સાથે હાઇબ્રિડ, ડેટ અને ગોલ્ડ જેવા વિકલ્પોની ભાગીદારી વધી રહી છે.
* 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓના પોર્ટફોલિયોમાં હાઇબ્રિડ ફંડની ભાગીદારી 29.6 ટકા હતી.
* આનાથી વિપરીત 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં આ માત્ર 5.4 ટકા રહી.
16 ટકાથી વધુ ભાગીદારી થઈ ગોલ્ડ ETFના કુલ રોકાણમાં.
69 હજાર કરોડનું નેટ રોકાણ આવ્યું નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન.