Loading Please Wait !!!
જામનગરમાં ભુજિયો કોઠો અને રણમલ તળાવ તિરંગા રંગે ઝળહળ્યા

 

  • રેસ્ટોરેશન બાદ ભુજિયો કોઠો ત્રિરંગી લાઇટોથી આકર્ષણનું કેન્દ્ર બન્યો

  • રણમલ તળાવના જળમાં કેસરી, સફેદ અને લીલા રંગોનું સુંદર પ્રતિબિંબ

  • 80મા આઝાદી પર્વની પૂર્વસંધ્યાએ શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો

સિટી ન્યુઝ @ જામનગર

ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની રાષ્ટ્રીય ઉજવણી નિમિત્તે સમગ્ર દેશની સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ શહેરમાં તિરંગા યાત્રા, સાંસ્કૃતિક ઉત્સવો અને દેશપ્રેમ પ્રગટ કરતા વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ રાષ્ટ્રીય પર્વની વિશેષ ઉજવણીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ધરોહરોને રાષ્ટ્રધ્વજના ત્રિરંગી રંગોની રોશનીથી વિશેષ રૂપે શણગારવામાં આવી છે. શહેરનો સુપ્રસિદ્ધ ઐતિહાસિક ભુજિયો કોઠો, જેનું તાજેતરમાં રેસ્ટોરેશન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ જનતા માટે ખુલ્લો મુકાયો છે, તેને તિરંગાની થીમ આધારિત રોશનીથી સજાવવામાં આવ્યો છે.

રાત્રિના સમયે તિરંગા રંગોની ઝળહળતી રોશનીથી ભુજિયો કોઠો અત્યંત ભવ્ય અને આકર્ષક દેખાઈ રહ્યો હતો. કેસરી, સફેદ અને લીલા રંગની એલઈડી લાઇટોથી સજ્જ થયેલો આ ઐતિહાસિક કોઠો દૂર દૂરથી પણ લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેના કારણે સમગ્ર પરિસરમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થયો છે.

આ ઉપરાંત જામનગરની શાન ગણાતા ઐતિહાસિક રણમલ તળાવ (લાખોટા તળાવ) ને પણ આઝાદી પર્વ નિમિત્તે ત્રિરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. તળાવ પરિસરમાં ગોઠવવામાં આવેલી રોશનીનો પ્રકાશ જ્યારે તળાવની જળરાશિ પર પડે છે, ત્યારે પાણીમાં કેસરી, સફેદ અને લીલા રંગોનું અદ્ભુત પ્રતિબિંબ સર્જાય છે, જે સમગ્ર નજારાને નયનરમ્ય બનાવે છે.

તિરંગાના રંગોથી ઝળહળી રહેલા આ ઐતિહાસિક સ્થાપત્યો અને તળાવનો આહલાદક નજારો માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યા છે. નાગરિકો અને પ્રવાસીઓ આ દેશભક્તિના સુંદર દ્રશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર ગર્વપૂર્વક શેર કરી રહ્યા છે.

જામનગરમાં ભુજિયો કોઠો-રણમલ તળાવ તિરંગા રંગે ઝળહળ્યા

ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ભુજિયો કોઠો અને રણમલ તળાવને તિરંગાની થીમ પર રોશનીથી સજાવવામાં આવ્યા છે. રાત્રિના સમયે કેસરી, સફેદ અને લીલા રંગની ઝળહળતી લાઇટોથી બંને ધરોહરો આકર્ષણનું કેન્દ્ર બની છે. તળાવના પાણીમાં પડતું ત્રિરંગી પ્રતિબિંબ નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યા છે.