જૂનાગઢમાં 5 કરોડની ફૂડ લેબ બની માત્ર શો-પીસ
- સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, ટેસ્ટિંગ માટે હજુ પણ વડોદરા પર નિર્ભર રહેવાની નોબત
- અત્યાધુનિક સાધનો હોવા છતાં ખાદ્યપદાર્થોને બદલે માત્ર પાણીના સેમ્પલ લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ
- FSSAI ની મંજૂરી અને સ્ટાફના અભાવે કરોડોના સાધનો ભંગાર, પ્રજાના આરોગ્ય સાથે ચેડાં
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકામાં જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં વહી રહ્યા હોવાનો અને પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી વર્ષ 2025-26 ના બજેટમાં 13 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી આશરે 5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક મશીનરી ખરીદીને ત્રણ મહિના પહેલાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઊભી કરી દેવાઈ હતી. આ સેટઅપ પાછળનો મુખ્ય હેતુ એ હતો કે સ્થાનિક સ્તરે જ દૂધ, માવો અને તેલ જેવા પદાર્થોનું ટેસ્ટિંગ થઈ શકે અને વડોદરા સુધી ધક્કા ન ખાવા પડે. પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે આ લેબોરેટરી માત્ર એક 'શો-પીસ' બની ગઈ છે અને મશીનરીઓ ધૂળ ખાઈ રહી છે.
હાલની સ્થિતિએ આ લેબોરેટરીમાં ખોરાકનું ટેસ્ટિંગ કરવાને બદલે માત્ર પાણીના સેમ્પલ લઈને સંતોષ માનવામાં આવી રહ્યો છે. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 12 થી 15 લાખની વસ્તી ધરાવતા આ મહાનગરમાં ભેળસેળના કારણે કેન્સર જેવા રોગો વધી રહ્યા છે. કરોડોના મશીનો હોવા છતાં આજે પણ અસલી સેમ્પલો છેક વડોદરા મોકલવા પડે છે. વિપક્ષનો આક્ષેપ છે કે અધિકારીઓ મોટા માથાઓ સાથે સેટિંગ કરીને શાંત બેસી ગયા છે અને છેલ્લા 5 થી 10 વર્ષથી મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ આખો ઊંઘમાં છે. જો આ લેબોરેટરી તાત્કાલિક ચાલુ થાય તો અખાદ્ય ખોરાક વેચતા વેપારીઓ પર કડક કાર્યવાહી કરી શકાય.
બીજી તરફ, આ મામલે બચાવ કરતા જૂનાગઢ મનપાના આરોગ્ય અધિકારી ડો. રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી માટે 2 નવા ફૂડ સેફ્ટી ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને તેમને કેરળ ખાતે 28 દિવસની FSSAI ની ખાસ ટ્રેનિંગ પણ અપાઈ છે. હાલમાં તેઓના સત્તાવાર નોટિફિકેશન અને લેબ માટે NABL તથા FSSAI ની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. આ મંજૂરીઓ મળ્યા બાદ જ સ્થાનિક કક્ષાએ તમામ ટેસ્ટિંગ કામગીરી શરૂ થઈ શકશે. ત્યાં સુધી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે પણ સેમ્પલ લેવામાં આવે છે, તે જિલ્લાની ટીમ સાથે સંયુક્ત રીતે લઈને વડોદરા ખાતેની અધિકૃત લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવે છે.
વહીવટી અણઆવડત અને પ્રજાનું સ્વાસ્થ્ય
કોઈપણ શહેરમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ રોકવી અત્યંત જરૂરી છે. લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવતી જનતાને શુદ્ધ ખોરાક મળે તે જોવાની પ્રાથમિક જવાબદારી સ્થાનિક તંત્રની છે. કરોડો રૂપિયાની આધુનિક મશીનરી ખરીદ્યા બાદ માત્ર મંજૂરીઓના બહાને મહિનાઓ સુધી લેબોરેટરી બંધ રાખવી તે સત્તાધીશોની ઘોર વહીવટી અણઆવડત દર્શાવે છે. લોકોના જીવના ભોગે ચાલતી આ સરકારી લાલિયાવાડી તાત્કાલિક બંધ થવી જોઈએ.