Loading Please Wait !!!
ગુજરાતની જેલમાંથી ગ્લોબલ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવી રહ્યો છે બિશ્નોઈ!

  • કેનેડા પોલીસના ગંભીર દાવાએ ગુજરાત પોલીસ પર સવાલો!

  • હાઈ સિક્યોરિટી જેલમાંથી બેસીને ચાલી રહ્યો છે કારોબાર!

  • ગૃહ રાજ્યમાં જ કાયદો અને વ્યવસ્થા પર સવાલો!

 સિટી ન્યુઝ @ અમદાવાદ : દિલ્હીમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતી હોવા છતાં, ભારતનો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલના હાઈ સિક્યોરિટી ઝોનમાં બેસીને દેશ-વિદેશમાં ગુનાઈત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે.

મે 2023થી સાબરમતી જેલના હાઈ સિક્યોરિટી વોર્ડમાં બંધ હોવા છતાં, બિશ્નોઈ વિડીયો કોલ અને તેના સાગરિતોની મદદથી કેનેડા, યુએસ, યુકે અને યુરોપ સુધી પોતાની ગેંગનું નેટવર્ક કુશળતાપૂર્વક ઓપરેટ કરી રહ્યો છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યાથી લઈને સલમાન ખાનને ધમકીઓ આપવા અને તાજેતરમાં ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં પણ આ ગેંગની સંડોવણી સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા પણ અગાઉ દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સ્થિત અમદાવાદની જેલમાંથી લોરેન્સ ખંડણી, ડ્રગ્સની હેરાફેરી અને કોન્ટ્રેક્ટ કિલિંગનું ગ્લોબલ સિન્ડિકેટ ચલાવી રહ્યો છે.

ભાજપની રાજકીય પ્રયોગશાળા ગણાતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતવિસ્તારમાં આવેલી આ હાઈ-પ્રોફાઈલ જેલ ગેંગસ્ટર માટે 'સેફ હેવન' બની ગઈ હોવાની ચર્ચાઓ વચ્ચે સુરક્ષા એજન્સીઓની કાર્યક્ષમતા સામે ભારે રોષ ફેલાયો છે.

સાબરમતી જેલ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું ગ્લોબલ ક્રાઈમ સિન્ડિકેટ

ગુજરાતની હાઈ-સિક્યોરિટી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા આચરવામાં આવતી ગુનાઈત પ્રવૃત્તિઓ દેશની સુરક્ષા વ્યવસ્થા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. એક તરફ સરકાર ગુનેગારો પર સકંજા કસવાના દાવા કરે છે, તો બીજી તરફ જેલના સલામત વોર્ડમાંથી વિદેશોમાં પણ સક્રિય ગેંગનું સંચાલન થવું એ જેલ પ્રશાસનની લાપરવાહી અને ભ્રષ્ટાચારની પોલ ખોલે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કેનેડા પોલીસ દ્વારા પણ જ્યારે આ અંગે ખુલાસા કરાયા છે, ત્યારે કાયદાના કડક અમલ માટે પ્રશાસને માત્ર કાગળ પરના દાવા છોડીને નક્કર અને સખત પગલાં લેવા અત્યંત અનિવાર્ય છે.