Loading Please Wait !!!
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી જૂથનો દબદબો: 9 સમિતિના ચેરમેન જાહેર

  • મહત્વના પદો પર લાડાણી જૂથના સભ્યોની વરણી, આંતરિક જૂથવાદ અને અસંતોષની અટકળો તેજ
  • પ્રથમ વખત AAP ને વિરોધ પક્ષનું નેતૃત્વ, શાસક પક્ષમાં સત્તાની વહેંચણીથી આંતરિક ભડકો
  • માણાવદર-મેંદરડા ધારાસભ્યના વગદાર સભ્યોને મલાઈદાર સમિતિઓ, અન્ય વિસ્તારના સભ્યોમાં રોષ

સિટી ન્યૂઝ @ જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય ખેંચતાણ બાદ આખરે 9 મહત્વની સમિતિઓના ચેરમેનની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ નિમણૂકોમાં માણાવદર, વંથલી અને મેંદરડાના ધારાસભ્ય અરવિંદ લાડાણીના જૂથના સભ્યોનું ભારે વર્ચસ્વ જોવા મળ્યું છે. જિલ્લા પંચાયતની સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે રતિલાલ લાડાણી અને જાહેર બાંધકામ સમિતિમાં જીતુ સીસોદીયાની નિમણૂક કરવામાં આવી છે. આ વરણી પ્રક્રિયામાં સોનલ દિવરાણીયા જેવા નેતાઓની ભૂમિકા પણ મહત્વની રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સત્તાની વહેંચણીમાં ધારાસભ્ય અરવિંદ લાડાણીના મતવિસ્તારના સભ્યોને પ્રભુત્વ મળતા પક્ષની અંદર જ અન્ય વિસ્તારના ચૂંટાયેલા સભ્યોમાં આંતરિક અસંતોષની જવાળા ભભૂકી છે. ખાસ કરીને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે માત્ર 12 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા હર્ષા સવસાણીની વરણી થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. નિષ્ણાતોના મતે, આ નિમણૂકો દ્વારા ભલે વહીવટી માળખાને વેગ આપવાનો પ્રયાસ કરાયો હોય, પરંતુ સંતુલન જાળવવામાં પક્ષ નિષ્ફળ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જે આગામી ચૂંટણીઓમાં જૂથવાદને વેગ આપી શકે છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં આ વખતે એક નવું અને રસપ્રદ સમીકરણ જોવા મળ્યું છે. જિલ્લા પંચાયતના સદનમાં વિરોધ પક્ષના નેતા તરીકે પ્રથમ વખત આમ આદમી પાર્ટી (AAP) ના સભ્ય જયસુખ પાઘડારની પસંદગી કરવામાં આવી છે. આ નવી નિમણૂકો સાથે જ જૂનાગઢ જિલ્લાનું રાજકારણ આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે. શાસક પક્ષના સભ્યોમાં રહેલો અસંતોષ સંગઠન માટે આવનારા સમયમાં એક મોટો પડકાર સાબિત થઈ શકે છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત: હોદ્દેદારોનું લિસ્ટ

  • કારોબારી સમિતિ: રતિલાલ લાડાણી

  • જાહેર બાંધકામ સમિતિ: જીતુ સીસોદીયા

  • શિક્ષણ સમિતિ: હર્ષા સવસાણી (12 પાસ)

  • જાહેર આરોગ્ય સમિતિ: ચિરાગ રાજાણી

  • સામાજીક ન્યાય સમિતિ: ઇન્દુ ચાવડા

  • સિંચાઈ, સહકાર, ખેતિવાડી અને પશુપાલન: જીગ્નેશ છૈયા

  • મહિલા બાળ વિકાસ સમિતિ: વનીતા વાસણ

  • બાયોડાયવર્સીટી સમિતિ: ચંપા ઠુંમર

  • અપીલ સમિતિ: લિના કાવાણી

  • વિરોધ પક્ષના નેતા: જયસુખ પાઘડાર (AAP)

સત્તાની વહેંચણીમાં અસંતોષ

જિલ્લા પંચાયતની આ નિમણૂકોમાં ધારાસભ્ય જૂથનું સ્પષ્ટ વર્ચસ્વ જોવા મળ્યું છે. અન્ય મતવિસ્તારોમાંથી ચૂંટાયેલા સભ્યોને ગૌણ સમિતિઓ સોંપતા પક્ષમાં આંતરિક કકળાટ શરૂ થયો છે. શિક્ષણ જેવી મહત્વની સમિતિના ચેરમેનની શૈક્ષણિક લાયકાત અંગે પણ વિરોધ પક્ષ અને જનતામાં સવાલો ઉઠી રહ્યા છે, જે સત્તાધારી પક્ષ માટે આગામી સમયમાં શરમજનક સ્થિતિ પેદા કરી શકે છે.