Loading Please Wait !!!
વાંકાનેરના ગુંદાખડામાં દારૂની રેલમછેલ: રૂ. 29.47 લાખનો જથ્થો ઝડપાયો

  • વાડીના મકાનમાંથી 531 પેટી દારૂ-બિયર સાથે બે આરોપીઓ જેલહવાલે
  • વાંકાનેરના ગુંદાખડામાં દરોડો, બે શખ્સોને પકડી અન્ય બેની શોધખોળ તેજ
  • રાજસ્થાનથી આવેલા દારૂના જથ્થાને લઈ વાંકાનેર પોલીસનો કડક એક્શન પ્લાન

સિટી ન્યુઝ @ મોરબી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. વાંકાનેર તાલુકા પીઆઈ બી.વી. પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસે નાથાભાઈ હરજીભાઈ વાજાની વાડીમાં આવેલા મકાન પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કુલ 531 પેટી દારૂ-બિયર મળી આવ્યા હતા, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 29,47,564 જેટલી થવા જાય છે.

પોલીસે સ્થળ પરથી ગુંદાખડા ગામના રહેવાસી નાથાભાઈ હરજીભાઈ વાજા અને અશ્વિનભાઈ નાથાભાઈ વાજાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના ટકો અને થાનના જીતેશભાઈ ભીમાભાઇ રંગપરા દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. પોલીસે પકડાયેલા બે આરોપીઓ તેમજ દારૂ મોકલનાર અન્ય બે વ્યક્તિઓ સહિત કુલ ચાર આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા હવે એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ જથ્થો કયા કયા વિસ્તારોમાં સપ્લાય થવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા નામ સંડોવાયેલા છે કે કેમ. આગામી સમયમાં તપાસ દરમિયાન અનેક નવા ખુલાસાઓ થવાની શક્યતા છે.