સુરેન્દ્રનગરમાં SP પ્રેમસુખ ડેલુનો સપાટો: પોલીસબેડામાં 14 અધિકારીઓની સાગમટે બદલી
- કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા જિલ્લામાં મોટા પાયે વહીવટી ફેરફાર
- 8 પીએસઆઇ અને 6 પીઆઇ કક્ષાના અધિકારીઓને નવી નિમણૂક આપી ચાર્જમાંથી મુક્ત કરાયા
- લીવ રિઝર્વમાં રહેલા 8 PSI ને નવી નિમણૂક, 6 PI ની આંતરિક બદલીનો ઘાણવો
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી કામગીરીમાં સરળતા લાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસબેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લામાં જાહેર હિતને ધ્યાનમાં રાખીને એકસાથે અનેક પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જારી કરવામાં આવતા પોલીસબેડામાં ભારે ચર્ચા જાગી છે. આ નિર્ણયથી પોલીસની કામગીરી વધુ અસરકારક બનવાની સંભાવના છે.
આ બદલીના આદેશ અંતર્ગત લાંબા સમયથી લીવ રિઝર્વમાં રહેલા 8 જેટલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોને નવી નિમણૂક અપાઈ છે. જેમાં વી. એમ. ટાંકને જોરાવરનગર, જે. એમ. સોલંકીને ધ્રાંગધ્રા તાલુકા, એ. બી. જાડેજાને સાયબર ક્રાઇમ, એમ. એમ. વાઢેરને વઢવાણ, એસ. એન. પટેલને ચુડા, કે. ડી. જાટને ધ્રાંગધ્રા સિટી, આઇ. એમ. હુદડને પાટડી અને આર. આર. દેસાઇને પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક આપવામાં આવી છે. આ નવી નિમણૂકોના પગલે કે. ડી. જાદવ, એન. એ. ડાભી, જે. એલ. ઓડેદરા અને એન. એચ. ચુડાસમાને વધારાના ચાર્જમાંથી તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિલ્લાના 6 પોલીસ ઇન્સ્પેક્ટરોની પણ આંતરિક બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓમાં આર. એમ. સંગાડાને સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન, બી. સી. છત્રાલીયાને પાટડીથી ઝીંઝુવાડા, એ. જે. સોલંકીને સાયબર ક્રાઇમથી મહિલા પોલીસ સ્ટેશન અને એમ. બી. બાંભવાને AHTU નો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે જે. એન. સોલંકીને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે મુકાયા છે અને ડી. એ. ક્રિશ્ચિયનને ધ્રાંગધ્રા સિટીમાંથી બદલીને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.
કામગીરીને વેગવંતી બનાવવાનો પ્રયાસ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા અને પ્રજાલક્ષી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે SP પ્રેમસુખ ડેલુએ આ મહત્વનો નિર્ણય લીધો છે. લીવ રિઝર્વમાં રહેલા અને વધારાનો ચાર્જ સંભાળતા અધિકારીઓની જગ્યાએ પૂર્ણકાલીન નિમણૂકો કરવાથી તમામ પોલીસ સ્ટેશનોની વહીવટી કામગીરીમાં ઝડપ આવશે અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાનું માળખું વધુ મજબૂત બનશે તેવી પૂરી શક્યતા છે.