મનપસંદ જીમખાના જુગાર કેસમાં PI અને PSI સસ્પેન્ડ
-
SMC ની રેડમાં 187 જુગારીઓ અને મોટો મુદ્દામાલ ઝડપાયો હતો
-
બેદરકારી બદલ રાજ્ય પોલીસ વડાએ PI અને PSI ને સસ્પેન્ડ કર્યા
-
દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગના PI ને સોંપાયો
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના દરોડા બાદ રાજ્ય પોલીસ વડા દ્વારા મોટી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં ગુનાહિત બેદરકારી દાખવવા બદલ દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.વી. ગોહિલ અને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વહીવટી સરળતા માટે દરિયાપુર પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો છે.
ગત 2 ઓગસ્ટના રોજ મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને SMC ની ટીમે 20 કલાકથી વધુ સમય સુધી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરોડા દરમિયાન સ્થળ પરથી 187 જેટલા જુગારીઓને રોકડ અને મોટા મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 4 ઓગસ્ટે તમામ આરોપીઓને પોલીસની 4 અને AMTS ની 1 બસ ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં 9 મુખ્ય આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર મોકલાયા હતા જ્યારે 178 આરોપીઓના જામીન મંજૂર થયા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે મનપસંદ જીમખાના ક્લબમાં સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા દ્વારા 'D કંપની' સ્ટાઈલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. અહીં ક્લબમાં કુલ 22 ટેબલ ભાડે આપવામાં આવ્યા હતા. હાર-જીતના મોટા નાણાંની લેવડદેવડ આંગડિયા પેઢીઓ મારફતે કરવામાં આવતી હતી અને સમગ્ર નેટવર્કને ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો હતો. સ્થાનિક પોલીસ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરતી હોવાનું બહાર આવ્યું છે.
નોંધનીય છે કે વર્ષ 2021 માં પણ આજ મનપસંદ જીમખાનામાં SMC ની રેડ દરમિયાન ગામા પટેલ સહિત 183 જુગારીઓ ₹85 લાખના મુદ્દામાલ સાથે પકડાયા હતા. તે સમયે પણ બેદરકારી બદલ તત્કાલીન દરિયાપુર PI, PSI સહિત 12 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમ, ભૂતકાળમાં કડક કાર્યવાહી થઈ હોવા છતાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ આ ગેરકાયદે ધમધમાટ ફરી શરૂ થઈ ગયો હતો.
બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ મનપસંદ જીમખાના સામે આકરી કાર્યવાહી કરીને 8 ઓગસ્ટે તેને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યું છે. સિટી સર્વે મુજબ માત્ર ગ્રાઉન્ડ ફ્લોર કોમર્શિયલ અને ઉપરના માળ રહેણાંક હેતુ માટે મંજૂર થયેલા હતા, પરંતુ મંજૂર નકશા વિરુદ્ધ જઈને સમગ્ર બિલ્ડિંગમાં બિનઅધિકૃત કોમર્શિયલ જુગાર પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાથી AMC એ પ્રવેશબંધીની નોટિસ લગાવી દીધી છે.
મનપસંદ જીમખાના રેડ: PI અને PSI સસ્પેન્ડ
અમદાવાદના દરિયાપુર મનપસંદ જીમખાનામાં SMC દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 187 જુગારીઓ ઝડપાયા બાદ રાજ્ય પોલીસ વડાએ દરિયાપુરના PI જી.વી. ગોહિલ અને સર્વેલન્સ PSI ને સસ્પેન્ડ કર્યા છે. ક્લબમાં કેસિનો સ્ટાઇલમાં 22 ટેબલ પર જુગાર ચાલતો હતો. AMC દ્વારા પણ બિનઅધિકૃત બાંધકામ અને મંજૂરી વિરુદ્ધ વપરાશ બદલ જીમખાનાને સીલ કરી દેવાયું છે.