Loading Please Wait !!!
જામનગરમાં સાયચા ગેંગની મિલકતો પર પ્રશાસનનું મેગા ડિમોલિશન

  • બેડી વિસ્તારમાં 13 ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા, આશરે સવા કરોડની જમીન કરાઈ મુક્ત
  • વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનની સંયુક્ત કાર્યવાહીથી જામનગરના ગુનેગારોમાં ભારે ફફડાટ
  • ઓપરેશન દરમિયાન 1.16 કરોડની બજાર કિંમત ધરાવતી સરકારી જમીન પ્રશાસને હસ્તક લીધી

સિટી ન્યુઝ @ જામનગર

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત અને કડક બનાવવાના ભાગરૂપે વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસને ફરી એકવાર ગુનેગારો સામે લાલ આંખ કરી છે. જામનગરના બેડી વિસ્તારમાં આતંક મચાવનારી કુખ્યાત 'સાયચા ગેંગ' દ્વારા સરકારી જમીન પર પચાવી પાડેલા ગેરકાયદેસર બાંધકામો પર પ્રશાસને 13 જૂન, 2026ના રોજ સંયુક્ત રીતે બુલડોઝર ફેરવી દીધું છે. ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલા આલીશાન બંગલા અને નાના-મોટા કુલ 13 બાંધકામોને ગણતરીના કલાકોમાં જ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. તંત્રની આ આકરા અને કડક પ્રહારો વાળી કામગીરીને પગલે સ્થાનિક અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ મેગા ડિમોલિશન ઓપરેશન દરમિયાન આશરે 1.16 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી 917 ચોરસ મીટર એટલે કે આશરે 9,800 ચોરસ ફૂટ સરકારી જમીન માફિયાઓના ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવીને તંત્રએ પોતાના હસ્તક લીધી છે. આ સમગ્ર કામગીરીનો આકાશી અદભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો. ડિમોલિશન દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જામનગરના જિલ્લા પોલીસવડા એસપી રવિમોહન સૈની અને સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે બંદોબસ્તમાં તૈનાત રહ્યા હતા, જ્યારે મહેસૂલ વિભાગ તરફથી પ્રાંત અધિકારી એસ.ડી. બારડે સ્થળ પર હાજર રહીને સુપરવિઝન કર્યું હતું.

જિલ્લા પોલીસવડાએ જણાવ્યું કે જામનગર સિટી બી પોલીસ સ્ટેશનના બેડેશ્વર વિસ્તારમાં કુખ્યાત સાયચા ગેંગ દ્વારા 918 સ્ક્વેર મીટર જેટલી સરકારી જગ્યા પર દબાણ કરીને મકાન બનાવ્યા હતા, જે તોડી પડાયા છે. અગાઉની કામગીરી સહિત અત્યાર સુધીમાં સાયચા ગેંગ પાસેથી અંદાજે 17 કરોડ રૂપિયા જેટલી કિંમતની જમીન મુક્ત કરાવાઈ છે. જામનગર શહેરમાં ગત મહિનામાં બે કોર્પોરેટરોની ગેંગના 29 શખસો તેમજ સાયચા ગેંગના 11 મળીને કુલ 40 શખસો સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધાયો છે. સાયચા ગેંગના 11 આરોપીઓમાંથી હાલ 3 શખસો પોલીસ રિમાન્ડ પર છે અને અન્ય જેલમાં બંધ છે.