અમદાવાદમાં સીએનજી ભાવ વધારા સામે રિક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ!
-
પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયન દ્વારા બે દિવસીય હડતાલનું એલાન અપાયું છે.
-
પહેલી ઓગસ્ટે સીએનજીના ભાવમાં એક સાથે ચાર રૂપિયાનો વધારો થયો હતો.
-
નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ, સીએનજી (CNG) ના સતત વધી રહેલા ભાવના વિરોધમાં અમદાવાદમાં પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયન દ્વારા બે દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. જો કે, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન સહિતના મોટા સંગઠનોએ આ હડતાલને સમર્થન ન આપતાં શહેરમાં હડતાલનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. એસજી હાઈવે અને ઈસ્કોન સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષાચાલકો સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોને લઈને ફરતા નજરે પડ્યા હતા, જ્યારે વસ્ત્રાપુર ફાટક સહિતના વિસ્તારોમાં હડતાલ સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો.
આ હડતાલ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પેસેન્જર ભરીને જતી રિક્ષાઓને અધવચ્ચે રોકીને મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા, જેના લીધે રિક્ષાચાલકો વચ્ચે રકઝકના દ્રશ્યો સર્જાયા હતા અને નોકરિયાતો તથા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. થોડા દિવસો પહેલા સીએનજીના ભાવમાં ચાર રૂપિયાનો વધારો ઝીંકાયા બાદ રિક્ષાચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ચાલકોનું कहना है कि ગેસના ભાવ વધવાની સાથે ભાડામાં પણ વધારો કરવા માટે અગાઉ મંજૂરી અપાઈ હતી પરંતુ હજુ સુધી કોઈ સરકારી નોટિફિકેશન બહાર આવ્યું નથી.
રિક્ષાચાલક ચીમનભાઈ અને પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે અને 250 રૂપિયાનો ગેસ ભરાવ્યા બાદ માંડ 100 રૂપિયા મળે છે. જો સરકાર દ્વારા સીએનજી ભાવ ઘટાડવામાં કે ભાડામાં વધારો કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.