Loading Please Wait !!!
ગુજરાત ગૌરવ દિવસ: મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશ્વભરના ગુજરાતીઓને સ્થાપના દિનની વધામણી

  • ગુજરાત આજે વિશ્વ ફલક પર ગૌરવવંતું સ્થાન ધરાવે છે; મોરબી ભાજપના આગેવાનોએ પાઠવી શુભેચ્છાઓ
  • ગુજરાતીઓની મહેનત અને સૂઝબૂઝથી વિશ્વના ખૂણે-ખૂણે વાગ્યો અસ્મિતાનો ડંકો.
  • ઉદ્યોગ, શિક્ષણ અને કૃષિમાં પ્રગતિની હરણફાળ; મોરબી જિલ્લો બન્યો વિકાસનો પાયાનો પથ્થર

સિટી ન્યુઝ @ મોરબી : આજે 1 મે, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશ્વભરમાં વસતા તમામ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા, પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, મહામંત્રીઓ નિર્મલભાઇ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, આપણું ગુજરાત આજે વિશ્વ ફલક ઉપર એક આગવું અને ગૌરવવંતું સ્થાન ધરાવે છે.

ભાજપના અગ્રણીઓએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતીઓએ પોતાની મહેનત, સૂઝબૂઝ અને અસ્મિતાના જોરે વિશ્વના ખૂણે-ખૂણે પોતાનો ડંકો વગાડ્યો છે. ગુજરાત આજે વિકાસના વિવિધ માપદંડોમાં અગ્રેસર રહીને ભારતની વિકાસયાત્રાનું મુખ્ય 'એન્જિન' સાબિત થયું છે. આ યશ દરેક કર્મઠ ગુજરાતીના ફાળે જાય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મક્કમ નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસનો જે મજબૂત પાયો નખાયો છે, તેને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ભાજપ સરકાર વેગવંતી બનાવી રહી છે. ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ અને માળખાગત સુવિધાઓમાં ગુજરાત આજે સમગ્ર દેશ માટે રોલ મોડલ બન્યું છે. આ વિકાસ યાત્રામાં મોરબી જિલ્લો પણ પાયાનો પથ્થર સાબિત થયો છે.

સ્થાપના દિવસના આ પવિત્ર અવસરે ભાજપના આગેવાનોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં ગુજરાતને વિકાસની વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે સંગઠન અને સરકાર ખભેખભા મિલાવીને સતત કાર્યરત રહેશે. આ અંગેની વિગતવાર માહિતી મોરબી જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ભાવેશ કાનાણીએ પૂરી પાડી છે.