મોરબીમાં ખાનગી કંપનીની દાદાગીરી: વળતર ચૂકવ્યા વિના વીજપોલનું કામ
- જેતપરના ખેડૂતોની 50 ટ્રેક્ટરો સાથે વિશાળ રેલી, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
- કામગીરી અટકાવવા ગયેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ઉગ્ર માંગણી
- એડવાન્સ વળતર ચૂકવ્યા વિના કામગીરી નહીં કરવા દેવાનો જગતના તાતનો હુંકાર
સિટી ન્યુઝ @ મોરબી
મોરબીના જેતપર ગામના ખેડૂતોએ તેમના ખેતરોમાં વળતર ચૂકવ્યા વિના વીજપોલ સ્થાપિત કરતી ખાનગી કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે જ્યાં સુધી વળતરનો પ્રશ્ન ઉકેલાય નહીં અને રકમની સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી આ કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે. આ મુદ્દે પોતાનો અવાજ બુલંદ કરવા અને વિરોધ નોંધાવવા માટે ખેડૂતોએ 50 થી વધુ ટ્રેક્ટરો સાથે કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી યોજી હતી.
જેતપર ગામમાં છેલ્લા 2 થી 3 દિવસથી ખેડૂતો અને પોલીસ વચ્ચે કામગીરી રોકવા મુદ્દે સતત ઘર્ષણના બનાવો બની રહ્યા છે. ખેડૂતોનો સ્પષ્ટ આરોપ છે કે કંપની દ્વારા વળતરની કોઈ જ ચૂકવણી કરવામાં આવી નથી. રોષે ભરાયેલા ખેડૂતોએ "જય જવાન જય કિસાન" ના નારા સાથે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને કલેક્ટર સ્વપ્નિલ ખરેને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપરત કરી ન્યાયની માંગણી કરી હતી.
ખેડૂત આગેવાન મેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ટેલિગ્રામ એક્ટની જોગવાઈ મુજબ ખેડૂતોને પૂરતું વળતર મળવું જ જોઈએ. વધુમાં, વર્ષ 2024 ના સરકારી પરિપત્ર મુજબ કોઈપણ કંપનીએ ખેડૂતના ખેતરમાં કામ કરવું હોય તો એડવાન્સમાં ચૂકવણી કરવી ફરજિયાત છે. તેમ છતાં, કંપની દ્વારા આ તમામ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને ખેતરોમાં સીધી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે ખેડૂતોને ક્યારેય પણ માન્ય નથી.
નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવા માટે વર્ષ 2024 માં સ્પષ્ટ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નિયમ મુજબ કંપનીએ ખેડૂતને એડવાન્સ વળતર ચૂકવવું ફરજિયાત છે. જોકે, ખાનગી કંપનીઓ દ્વારા કાયદાને નેવે મૂકીને દાદાગીરીથી કામ શરૂ કરી દેવાય છે. વહીવટી તંત્ર ખેડૂતોની વેદના સાંભળવાના બદલે પોલીસ પ્રોટેક્શન આપીને કંપનીઓને છાવરી રહ્યું હોવાનો ભારે આક્રોશ હાલ જગતના તાતમાં જોવા મળી રહ્યો છે.