મોરબીમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનનો શખ્સ SOG ના સકંજામાં
- 1.53 લાખના 49 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલા યુવક સામે NDPS હેઠળ ગુનો નોંધાયો
- ત્રાજપર ચોકડી પાસેથી રાજસ્થાનના 26 વર્ષીય કાલુલાલ ગોયલની ધરપકડ કરાઈ
- બી ડિવિઝન પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ઉંડી તપાસ શરૂ કરી
સિટી ન્યુઝ @ મોરબી
મોરબીમાં નશાનો કારોબાર કરતા તત્વો પર SOG ટીમે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે મેફેડ્રોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સ પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને મોબાઈલ ફોન સહિત કુલ 1.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લા PI આર. સી. ગોહિલની સૂચના મુજબ SOG સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન ત્રાજપર ચોકડી પાસે આવેલા મેલડી માતાજીના મંદિર નજીક મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરવા એક શખ્સ આવવાનો હોવાની પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર છાપો માર્યો હતો અને શંકાસ્પદ શખ્સની અટકાયત કરી તેની ઝીણવટભરી તલાશી લીધી હતી.
રેડ દરમિયાન રાજસ્થાનના ઢગ તાલુકાના લસુડીયા ગામનો 26 વર્ષીય કાલુલાલ પૂરાલાલ ગોયલ નામનો યુવાન ડ્રગ્સના જથ્થા સાથે મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી 1,48,140 ની કિંમતનું 49.380 ગ્રામ ડ્રગ્સ અને 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. આરોપી કાલુલાલ ગોયલની ધરપકડ કરીને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને મોરબીમાં કોને પહોંચાડવાનું હતું તે દિશામાં પોલીસે હવે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.
ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસની કવાયત મોરબીમાં ઝડપાયેલો આ રાજસ્થાની શખ્સ માત્ર એક મોહરું હોવાની શક્યતા છે. આ ડ્રગ્સ માફિયાઓના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ હવે રિમાન્ડ મેળવીને આકરી પૂછપરછ કરશે. મોરબીમાં સ્થાનિક સ્તરે ડ્રગ્સ કોણ ખરીદવાનું હતું અને આ સપ્લાય ચેનમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.