Loading Please Wait !!!
માંગરોળના દરિયાકાંઠે રહસ્યમય કન્ટેનર: સ્થાનિકોમાં કુતૂહલ, પોલીસ તપાસ શરૂ

  • સાંગવાડા કિનારે તણાઈ આવ્યું વિશાળ લોખંડી કન્ટેનર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
  • જૂનાગઢના દરિયામાં ફરી રહસ્યમય કન્ટેનરનો ખેલ: પોલીસનો સુરક્ષા ઘેરો
  • કયા જહાજનું છે કન્ટેનર? વણઉકેલ્યા પ્રશ્નો સાથે તપાસનો દોર તેજ

સિટી ન્યુઝ @ જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો ફરી એકવાર બિનવારસી કન્ટેનર મળવાના કારણે ચર્ચામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામના દરિયા કિનારે મોજાં સાથે તણાઈને એક વિશાળ લોખંડી કન્ટેનર કાંઠે આવી પહોંચ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને માછીમારોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી શીલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને કન્ટેનરની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી તેને પોતાના કબજામાં લીધું હતું.

જિલ્લાના એએસપી રોહિત ડગરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર અંદરથી ખાલી હોવાનું જણાયું છે, તેમ છતાં પોલીસ ઉપરાંત દરિયાઈ બાબતો સાથે સંકળાયેલી વિવિધ સરકારી એજન્સીઓને જાણ કરવામાં આવી છે. આ કન્ટેનર કયા દેશનું છે, તે કયા જહાજમાંથી તણાઈ આવ્યું છે અને તેના માલિક કોણ છે, તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

અગાઉ પણ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કિનારાઓ પરથી આવા બિનવારસી કન્ટેનરો મળી આવવાના કિસ્સા નોંધાયા છે, જેને લઈને તંત્ર સતર્ક બન્યું છે. સુરક્ષાની દૃષ્ટિએ તપાસમાં કોઈ પણ કચાસ ન રહે તે માટે પોલીસ અને અન્ય તપાસનીશ એજન્સીઓ સંયુક્ત રીતે આ રહસ્યમય કન્ટેનરના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે.