Loading Please Wait !!!
જામનગરની ઇટ્રામાં ડૉક્ટર ડેની અનોખી ઉજવણી: 40 લીમડાના વૃક્ષોનું વાવેતર

  • આયુર્વેદના વૈદ્યો અને વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાળવણી માટે લીધો સંકલ્પ
  • પર્યાવરણ અને સ્વાસ્થ્યના સંગમ સાથે નવા વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત
  • જતન માટે પ્રેરણા આપતું નવું અભિયાન, આયુર્વેદ વૈદ્યોની પ્રશંસનીય પહેલ

સિટી ન્યુઝ @ જામનગર

જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) ખાતે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી ખૂબ જ પ્રેરણાદાયી રીતે કરવામાં આવી હતી. આ અવસરે સંસ્થાના કૌમારભૃત્ય વિભાગ દ્વારા વન મહોત્સવના ભાગરૂપે 40 લીમડાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આયુર્વેદિક દૃષ્ટિકોણથી આરોગ્ય અને પર્યાવરણ માટે અત્યંત હિતકારી એવા લીમડાના વૃક્ષો રોપીને ડોક્ટરોએ સમાજને કુદરત સાથે જોડાવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં પી.એચ.ડી. અભ્યાસક્રમમાં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આવકારી તેમના હસ્તે પણ વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું.

કૌમારભૃત્ય વિભાગના વડા પ્રો. વિરેન્દ્ર કોરીએ જણાવ્યું હતું કે, આયુર્વેદિક વૈદ્યો માત્ર દર્દીના રોગ દૂર નથી કરતા, પરંતુ પર્યાવરણને શુદ્ધ રાખવાની જવાબદારી પણ નિભાવે છે. ભાવિ પેઢીમાં વૃક્ષારોપણ અને તેની માવજતની ટેવો વિકસે તેવા ઉમદા હેતુ સાથે વિદ્યાર્થીઓને આ કાર્યમાં જોડવામાં આવ્યા હતા. કાર્યક્રમની ખાસિયત એ રહી કે દરેક રોપાયેલા વૃક્ષ પર તેના નામ સાથેનો એક વિશેષ QR કોડ ધરાવતું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, જે વૃક્ષના જતન અને તેની માહિતી મેળવવા માટે પ્રેરણારૂપ સાબિત થશે.

આ કાર્યક્રમમાં સંસ્થાના ઇનચાર્જ ડાયરેક્ટર પ્રો. વૈદ્ય હિતેશ વ્યાસ, વિવિધ વિભાગના વડાઓ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ ઉત્સાહભેર વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો. ડોક્ટર ડે નિમિત્તે કરવામાં આવેલી આ પહેલ માત્ર સંસ્થાના પરિસરને જ નહીં, પરંતુ ભવિષ્યના આરોગ્ય અને પર્યાવરણના રક્ષણ માટે એક મજબૂત પાયો નાખશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

QR કોડ દ્વારા વૃક્ષોની જાળવણી

જામનગરની ઇટ્રા સંસ્થા દ્વારા વૃક્ષારોપણ સાથે ડિજિટલ ટેકનોલોજીનો સમન્વય સાધવામાં આવ્યો છે. રોપાયેલા દરેક લીમડાના છોડ પર QR કોડ બોર્ડ લગાવવાથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ વૃક્ષની નિયમિત વિગતો અને તેના સ્વાસ્થ્ય વિશે જાણી શકશે. આ આધુનિક અભિગમ વૃક્ષોના માત્ર વાવેતર સુધી મર્યાદિત ન રહેતા, તેના ઉછેર અને જાળવણી માટેની એક ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડે છે, જે અન્ય સંસ્થાઓ માટે પણ એક આદર્શ દાખલો છે.