Loading Please Wait !!!
PF અમારો હક છે, ભીખ નહીં, રાજકોટ પાણી પૂરવઠા બોર્ડની તાનાશાહી સામે કોન્ટ્રાક્ટરોનો રોષ

  • નિયમ વિરૂધ્ધ PFના નાણાં કાપી લેવાતા અને બિલ રોકી રાખતા કોન્ટ્રાક્ટર એસો. મેદાને
  • અધિકારી અમિત સોલંકી અને મિતુલ ભાલોડી પર ભ્રષ્ટાચાર અને કમિશનખોરીના ગંભીર આરોપ: નાણા વ્યાજ સાથે પરત કરવા માંગણી

સિટી ન્યૂઝ@રાજકોટ

 રાજકોટ ઝોન હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટરોની ધીરજ હવે ખૂટી ગઈ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવતી કથિત ગેરરીતિઓ અને અન્યાયના વિરોધમાં આજરોજ 'કોન્ટ્રાક્ટર એસોસિએશન - રાજકોટ ઝોન' દ્વારા સવારે ૧૧:૦૦ વાગ્યે પાણી પુરવઠા બોર્ડની ઝોન કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા હતા. "PF અમારો હક છે, ભીખ નહીં!" અને "અમારો પૈસા અમને આપો" જેવા નારા સાથે મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટરોએ એકઠા થઈને બેનરો સાથે તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

આ આંદોલનનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરોના પ્રોવિડન્ટ ફંડ (PF) ના નાણાંની ગેરકાયદેસર કપાત છે. એસોસિએશનનો આક્ષેપ છે કે ડિપાર્ટમેન્ટ દ્વારા નિયમોની ઐસીતૈસી કરીને કોન્ટ્રાક્ટરોના હકના PF ના નાણાં કાપી લેવામાં આવ્યા છે અને લાંબા સમયથી તેમના હકના બિલ પણ રોકી રાખવામાં આવ્યા છે. આ મુદ્દે અગાઉ ઘણી વાર ઉગ્ર અને લેખિત રજૂઆતો કરવા છતાં, આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરોને મોટું આર્થિક નુકસાન અને માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્યો છે.

આ સમગ્ર વિવાદમાં કોન્ટ્રાક્ટરોના ગુસ્સાનું મુખ્ય નિશાન પાણી પુરવઠા બોર્ડના બે અધિકારીઓ - અમિત સોલંકી અને મિતુલ ભાલોડી બન્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ફરકાવવામાં આવેલા પોસ્ટરોમાં આ બંને અધિકારીઓને 'ભ્રષ્ટ જોડી' ગણાવીને તેમને સાંકળોથી બાંધેલા દર્શાવવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરોએ તેમના પર કમિશનખોરી, બિલ અટકાવવા, અને કોન્ટ્રાક્ટરોને દબાવવા જેવી તાનાશાહી નીતિ અપનાવવાનો સીધો આરોપ લગાવ્યો છે. "આડોડાઈ અને કમિશનશાહી નહીં ચાલે" અને "એવો અધિકારી જોઈએ નહીં" તેવા લખાણો સાથે કોન્ટ્રાક્ટરોએ સ્પષ્ટ રોષ વ્યક્ત કર્યો છે.

કોન્ટ્રાક્ટર એસોસિએશને પોતાની મુખ્ય માંગણીઓ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે તમામ કોન્ટ્રાક્ટરોના કાપી લેવાયેલા PF ના નાણાં તાત્કાલિક છોડવામાં આવે અને નિયમ વિરુદ્ધ કપાયેલી રકમ વ્યાજ સાથે પરત કરવામાં આવે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ગેરકાયદેસર કપાત બંધ થાય અને આ સમગ્ર કૌભાંડ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. એસોસિએશને ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં લડત વધુ ઉગ્ર બનશે.