બાંદ્રા-ભુજ એક્સપ્રેસના AC કોચમાં મુસાફરો બન્યા 'પોલીસ': દારૂની 10 પેટીઓ સાથે 3 બુટલેગરને દબોચ્યા
-
ટ્રેન નંબર 09037 ના થર્ડ AC કોચમાં સીટ નીચે બિનવારસી બેગ દેખાતાં મુસાફરોને શંકા ગઈ
-
મુસાફરોએ જાતે તપાસ કરી 10 થી વધુ પેટીઓ અને થેલીઓ બહાર કાઢી ટોઇલેટ પાસે જમા કરી
-
હોબાળો મચતાં ભાગવા ગયેલા 3 બુટલેગરોને ઘેરીને પકડ્યા, ભીડનો લાભ લઈ 2 નાસી છૂટ્યા
સિટી ન્યુઝ @ સુરત
રાજ્યમાં લઠ્ઠાકાંડની ચકચારી ઘટનાઓ વચ્ચે રેલવે સુરક્ષા તંત્રની ઘોર બેદરકારી છતી કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાંદ્રા ટર્મિનસથી ભુજ તરફ જઈ રહેલી ટ્રેન નંબર 09037 સુપરફાસ્ટ સ્પેશિયલના થર્ડ એસી (3 AC) કોચમાં મુસાફરોએ જાતે સર્ચ ઓપરેશન ચલાવીને વિદેશી દારૂની મોટી ખેપ સાથે ત્રણ બુટલેગરોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે સુરત રેલવે પોલીસ મથકે કુલ 5 અલગ-અલગ ગુના દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની વિગત મુજબ, વાપી સ્ટેશનથી ટ્રેન રવાના થયા બાદ થર્ડ AC કોચની સીટો નીચે લાંબા સમયથી બિનવારસી પડેલી મોટી ટ્રાવેલ બેગ જોઈને મુસાફરોને શંકા ગઈ હતી. મુસાફરોએ તપાસ કરતાં બેગમાંથી વિદેશી દારૂની બોટલો, બિયરના કેન અને ક્વાર્ટરનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ વાત વાયુવેગે કોચમાં ફેલાતાં સતર્ક બનેલા મુસાફરોએ આખા કોચમાં તપાસ કરીને સીટો નીચે અને ખૂણાઓમાં સંતાડેલી 10 થી વધુ પેટીઓ અને પ્લાસ્ટિકના પાર્સલ બહાર કાઢી ટોઇલેટ તથા વેસ્ટિબ્યુલ પાસે ઢગલો કરી દીધો હતો.
કોચમાં મુસાફરોનો હોબાળો જોઈને દારૂ ઘુસાડવા સવાર થયેલા 5 શંકાસ્પદ બુટલેગરોમાંથી 3 શખ્સોને મુસાફરોએ ચારેય તરફથી ઘેરીને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 2 બુટલેગરો ભીડનો લાભ ઉઠાવીને નાસી છૂટ્યા હતા. પકડાયેલા શખ્સોએ આ દારૂનો જથ્થો પોતાનો હોવાની કબૂલાત કરી હતી.
મુસાફરોએ TTE મારફતે કંટ્રોલ રૂમને જાણ કરતાં ટ્રેન જેવી સુરત સ્ટેશને પહોંચી કે તરત જ RPF અને GRP ના કાફલાએ પ્લેટફોર્મ પર પહોંચીને ત્રણેય આરોપીઓ તેમજ દારૂ ભરેલી 3 ટ્રાવેલ બેગ અને 6 પ્લાસ્ટિક પાર્સલ કબ્જે લીધા હતા. વાપી જેવા મહત્વના સ્ટેશને સુરક્ષા તપાસ વગર આટલો મોટો દારૂનો જથ્થો એસી કોચમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે રેલવે પોલીસે તપાસ તેજ કરી છે.
AC કોચમાં મુસાફરોએ પકડ્યો દારૂ
બાંદ્રા-ભુજ સ્પેશિયલ ટ્રેનના થર્ડ AC કોચમાં મુસાફરોએ જાતે તપાસ કરીને સીટ નીચે છુપાવેલી દારૂની 10 થી વધુ પેટીઓ ઝડપી પાડી હતી. મુસાફરોએ 3 બુટલેગરોને પકડીને સુરત સ્ટેશને RPF-GRP ને સોંપ્યા હતા, જ્યારે 2 આરોપી ફરાર થઈ ગયા હતા. રેલવે પોલીસે પ્રોહિબિશન હેઠળ 5 ગુના નોંધી તપાસ હાથ ધરી છે.