પાટીદાર આંદોલનના વધુ બે કેસ પરત, હાર્દિક પટેલ સહિતના નેતાઓ નિર્દોષ
- સુરત કોર્ટે કેસ વિથડ્રો કરવાની સરકારની અરજી ગ્રાહ્ય રાખી, તમામ આરોપીઓને મળી રાહત
- અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓ પરના કેસો થયા રદ, નિર્દોષ જાહેર
- 2018માં વરાછા પોલીસ મથકે નોંધાયેલા કેસો પરત ખેંચાતા આંદોલનકારીઓમાં ખુશી
સિટી ન્યુઝ @ સુરત
પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતમાં નોંધાયેલા કેસોને પરત ખેંચવાની દિશામાં ન્યાયતંત્ર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2018માં આંદોલન સમયે વરાછા પોલીસ મથકમાં ટ્રાફિક જામ અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવાના મુદ્દે નોંધાયેલા બે કેસો હવે સત્તાવાર રીતે પરત ખેંચવાની મંજૂરી કોર્ટે આપી દીધી છે. સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીતેન્દ્રસિંહે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી 'કેસ વિથડ્રો' કરવાની અરજીને ગ્રાહ્ય રાખીને આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ સમગ્ર મામલાની વિગત એવી છે કે વર્ષ 2018માં આંદોલન દરમિયાન જિજ્ઞેશ વઘાસિયા, મૌલિત નસીત, ચંદ્રેશ કાકડિયા અને રૂષિક દેસાઈ જેલમુક્ત થઈને બહાર આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે મોટી રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન વરાછા વિસ્તારમાં ટ્રાફિક ખોરવાતા વરાછાના તત્કાલીન પીઆઈ વી.એસ. પટેલે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને અશોક જીરાવાલા સહિત 150 થી 200 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આંદોલનકારીઓ પર આઈપીસીની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આ કેસો પરત ખેંચવા માટે ડીજીપી નયન સુખડવાલાના માર્ગદર્શન હેઠળ એપીપી દિગંત તેવારે કોર્ટમાં અરજી કરી હતી. સરકારપક્ષે દલીલ કરી હતી કે આંદોલનકારીઓનો ગુનાઈત ઈરાદો જણાતો નથી અને જેમને અડચણ થઈ હતી તેવી કોઈ વ્યક્તિએ ફરિયાદ પણ કરી નહોતી. કોર્ટે રેકોર્ડ પરના તમામ પુરાવાઓ અને કાનૂની જોગવાઈઓને ધ્યાને લઈને તારવ્યું હતું કે, આ કેસો ચલાવવા જાહેર જનતાના હિતમાં નથી. આમ, લાંબા સમયથી ચાલી આવતી કાનૂની પ્રક્રિયાનો અંત આવ્યો છે અને અગ્રણીઓ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.
બોક્સ મેટરદોલનકારીઓના કેસ અને જનહિત
ગુજરાતમાં ભૂતકાળમાં થયેલા વિવિધ સામાજિક આંદોલનોમાં અનેક કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સમય જતાં સરકાર દ્વારા જનહિતમાં આવા કેસો પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ન્યાયતંત્ર દ્વારા જ્યારે આવા કેસોમાં મંજૂરી આપવામાં આવે છે, ત્યારે તે સામાજિક સૌહાર્દ અને રાજકીય સમાધાનની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે. આ નિર્ણયથી કાર્યકરોમાં કાનૂની મુક્તિનો રાહતનો અનુભવ થયો છે.