Loading Please Wait !!!
અમદાવાદ પૂર્વમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી: જશોદાનગર અને પુનિતનગરમાં જળબંબાકાર

  • ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં, દર વર્ષની સમસ્યાથી આક્રોશ.
  • ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ચાલકો અટવાયા, તંત્ર સામે કાયમી ઉકેલ લાવવાની માંગ
  • મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી નિકાલના દાવા વચ્ચે જનજીવન પ્રભાવિત.

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં વરસાદ બાદ પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. જશોદાનગર અને પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે આવેલા ગોવિંદકૃપા એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાણી ભરાવાને કારણે આંતરિક રસ્તાઓ પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ટુ-વ્હીલર બાઈક-એક્ટિવા તેમજ થ્રી-વ્હીલર ઓટો રિક્ષા ચલાવવામાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે, જ્યારે રાહદારીઓએ પણ પાણીની વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

સ્થાનિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ગોઠવવામાં આવે. બીજી તરફ, મહાનગરપાલિકા દ્વારા વરસાદી પરિસ્થિતિ પર નજર રખાતી હોવાનો અને પાણી ભરાવાની ફરિયાદો મળતા નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરાતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જશોદાનગર અને પુનિતનગરમાં પાણી ભરાતા રોષ

અમદાવાદ પૂર્વમાં રામોલ-હાથીજણ વોર્ડના જશોદાનગર અને પુનિતનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દર વર્ષની આ સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી વહેલી તકે કાયમી ડ્રેનેજ વ્યવસ્થા કરવાની માંગ કરી છે.