ગુજરાતમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ઉગ્ર વિરોધ: પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે સંઘર્ષ
- અમદાવાદમાં મહિલાઓની ટીંગાટોળી, સુરત-જૂનાગઢમાં ‘ઇન્કલાબ જિંદાબાદ’ ના નારા
- અમદાવાદમાં લાઠીચાર્જ બાદ તણાવ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે હલ્લાબોલ
- પરેશભાઈ મહાલેનું અનોખું પ્રદર્શન, સંવિધાન સાથે વિરોધ નોંધાવી સરકારને ઘેરી
સિટી ન્યુઝ @ અમદાવાદ
દિલ્હીમાં NEET પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા આંદોલનનો ગરમાવો હવે ગુજરાતમાં પણ સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો છે. શનિવારે અમદાવાદમાં સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પોલીસ લાકડીઓ લઈને ટોળા પાછળ દોડી હતી અને અનેક મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે અમદાવાદમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ હતી.
અમદાવાદની સાથે જ સુરતમાં પણ કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પ્રદર્શનકારીઓએ સોનમ વાંગચુકના પોસ્ટરો હાથમાં રાખી ‘ઇન્કલાબ જિંદાબાદ’ અને ‘વંદે માતરમ’ ના નારા લગાવી સરકારને ચેતવણી આપી હતી. સુરતમાં પરેશભાઈ મહાલે નામના વ્યક્તિએ ભારતીય સંવિધાન હાથમાં રાખીને અને ફાટેલા કપડાં સાથે ‘કૉક્રોચ જનતા પાર્ટી’ (CJP) લખેલું ટીશર્ટ પહેરીને ખૂબ જ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જે આ આંદોલનનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો.
જૂનાગઢ અને ભાવનગરમાં પણ આંદોલનની અસરો જોવા મળી હતી. જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનોએ કલેક્ટર ઓફિસ બહાર ધરણાં યોજ્યા હતા, જ્યારે ભાવનગરમાં નગરસેવકો અને સમર્થકોએ મુખ્ય બજારોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનકારીઓની મુખ્ય માંગ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની છે. લોકોનું કહેવું છે કે શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરનારા વિદ્યાર્થીઓ પર પોલીસનો આ પ્રકારનો બળપ્રયોગ અસહ્ય છે અને સરકારે લદ્દાખના હિતો તથા સોનમ વાંગચુકની માંગણીઓ પર વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવો જોઈએ.