રાજકોટમાં દારૂ ક્યાં મળે છે કોંગ્રેસે એડ્રેસ આપ્યા
- ભાવનગરની જેમ રાજકોટમાં લઠાકાંડની શક્યતા
- ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદન આપ્યું
- દારૂના હાટકાઓ બંધ કરી પોલીસના હમા સિસ્ટમ પણ બંધ થાય તે જરૂરી : રાજદિપસિંહ જાડેજા
- પ્ર-નગર પોલીસને એક મહિના પહેલા જાણ કરી હતી કોઈ કાર્યવાહી થઈ નથી : ગાયત્રીબા વાઘેલા
સિટી ન્યૂઝ @ રાજકોટ
ભાવનગરના લઠાકાંડના વિરોધમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર તેમજ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગર જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તમામ DCP ઝોનના અધિકારીઓ દ્વારા દારૂના હાટકાઓ ધમધમી રહ્યા છે ત્યાં રેડ પાડી તે બંધ કરાવવામાં આવે અને પોલીસની હમા સિસ્ટમ પણ બંધ થાય તે લગાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયાનો આક્ષેપ કર્યો હતો ભાવનગર લઠાકાંડ મામલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર માગ કરી હતી.રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભાવનગરમાં જે રીતે લઠાકાંડ થયો અને અનેક લોકોના જીવ ગયા તે પ્રકારનો બનાવ રાજકોટમાં ન બને તે માટે અમે પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક સમક્ષ રજૂઆત કરી હતી. રાજકોટમાં હત્યા, દારૂના હાટકા, ચોરી અને લૂંટફાટ સહિતની ઘટનાઓ બની રહી છે પહેલા જે રીતે પોલીસની માફિયાઓ ઉપર ધાક હતી તે નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ ફરીથી માફિયાઓ પર ધાક ઊભી કરે. જેથી રાજકોટના લોકો શાંતિથી જિંદગી જીવી શકે. ભાવનગર જેવા બનાવો રાજકોટમાં ન બને અને દારૂના હાટકા ચલાવવા માટે પોલીસ દ્વારા જે હમા લેવામાં આવી છે તે બંધ થાય. રાજકોટ પોલીસ કમિશનર કચેરી હેઠળ આવતા તમામડીસીપી દ્વારા પોતાના ઝોનમાં પેટ્રોલિંગ કરે અને દારૂ વેચાતા હોય તેનું લીસ્ટ તૈયાર કરી જ્યાં રેડ પાડે તો જૂનો આચરતા તત્વો ડરશે. તેમણે જણાવ્યું કે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે રાજકોટમાં પોલીસની ધાક રહી નથી. છેલ્લા પોલીસ કમિશ્નર પરિવારના સભ્યની પણ હત્યા કરવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ૧૫ દિવસ પહેલા આવ્યા ત્યારે તેની પૂર્વ રાત્રિએ જ મર્ડર થયું હતું. જેથી રાજકોટ પોલીસ નિષ્ફળ છે અને તેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ.