મનપાના વોર્ડ 15 અને વોર્ડ 18માં ગેરકાયદેસર 9 દબાણો દુર કરાયા
- આજીડેમ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ સ્ટેશનની બાજુમાંથી દબાણો હટાવી રૂ. ૨૧ કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા (IAS) ના માર્ગદર્શન અને ટાઉન પ્લાનીંગ ઓફિસર આર.ડી. પરમારના નિર્દેશન હેઠળ શહેરના પૂર્વ ઝોનમાં મોટા પાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તારીખ ૦૬/૦૫/૨૦૨૬ના રોજ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાની કિંમતની અંદાજે ૩૫૧૮ ચોરસ મીટર જમીન પરથી અન-અધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા પૂર્વ ઝોનના બે અલગ-અલગ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી જેમાં વોર્ડ નં. ૧૫ આજીડેમ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા મોંઘા પ્લોટમાં ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવાયેલી ૩ ઓરડીઓ તોડી પાડવામાં આવી હતી.
આ અંદાજે ૩૫૧૮.૬૭ ચો.મી. જમીન છે, જેની બજાર કિંમત આશરે ૨૧,૧૧,૨૦,૨૦૦/- (૨૧ કરોડથી વધુ) અંકાય છે. જ્યારે વોર્ડ નં. ૧૮ (સીતારામ સોસાયટી): અહીં સોસાયટીના જાહેર માર્ગો પર થાંભલા નાખીને કરવામાં આવેલી આડસ અને દબાણો દૂર કરી કુલ છ રોડ ખુલ્લા કરવામાં આવ્યા હતા.