રાજકુમાર જાટ જાતે જ કપડા ઉતારતો CCTVમાં દેખાયો, તેને ગાંજો ફૂકવાની આદત હતી
- પોલીસનો હાઈકોર્ટમાં રિપોર્ટ
- બહુચર્ચિત રાજકુમાર અકસ્માત મોત કેસની હાઈકોર્ટમાં મંગળવારે સુનાવણીમાં સરકારી વકીલે તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો
સિટી ન્યૂઝ@ગોંડલ
ગોંડલના બહુચર્ચિત ૨૪ વર્ષીય રાજકુમાર જાટ આકસ્મિક મોતના કેસની હાઈકોર્ટમાં આજે (૨૫ ઓગસ્ટ)સુનાવણીમાં સરકારી વકીલે તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, CCTVમાં રાજકુમાર જાટ જાતે કપડાં ઉતારતો દેખાય છે. આ વીડિયોને ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં વીડિયોમાં કોઈ છેડા નહીં થયા હોવાનો પણ રિપોર્ટ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત ૨૮ જુલાઈએ ગુજરાત હાઈકોર્ટે રાજકુમાર જાટના અકસ્માત પહેલાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર નગ્ન અવસ્થામાં ફરતો હોવાની તપાસ કરવાનો આદેશ પોલીસને આપ્યો હતો.
સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, મૃતક ફોનમાં તેના મિત્રો સાથે આવી જ કંડિશનમાં વાત કરતો દેખાયો હતો. તે કેટલીક વાતો બોલતો હોવાનો વીડિયો છે. જેમાં તે ગાંજાનું સેવન કરતો હોવાનું જણાઈ આવે છે. આ વીડિયો મનોચિકિત્સકને મૃતકનું બિહેવિયર જાણવા પણ દેખાડ્યો હતો. મનોચિકિત્સકનું કહેવું છે કે, મૃતક વ્યસની હોવાનું કહી શકાય. તેની ચાલવાની પદ્ધતિ પણ સાધારણ નહોતી. તે માનસિક બીમાર હોવાનું પણ હોઈ શકે, તે ચાલતો હતો ત્યારે સંપૂર્ણ રીતે માનસિક સભાન નહોતો.
અકસ્માત પહેલાં એ ઘરેથી નશાની શોધમાં નીકળ્યો હતો. એક આશ્રમમાં જઈને ગાંજો માંગ્યો હતો. તે ગિરનાર જતો ત્યારે ગાંજો લેતો હતો, પરંતુ તેને ગાંજો પીધો છે કે નહીં તે ખબર નથી. જ્યાં સુધી તેના એક રાતમાં ૫૧ કિમી ચાલવાનો પ્રશ્ન છે તો નિષ્ણાતો કહે છે કે, સ્વસ્થ વ્યક્તિ ૪ કિમી પ્રતિકલાકની ઝડપે ચાલી શકે છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યો તેને તેને ૫૧ કિમીનું અંતર કાપ્યું હતું. કુલ ૧૧ કલાક અને ૩૯ મિનિટ જેટલો સમય તેને લીધો હતો. આટલા સમયમાં તે ૫૧ કિમી ચાલી શક્યો હોય તેમ માની શકાય. પોલીસે ૨૧ CCTV એકત્રિત કર્યા છે. જેમાં તે એકલો ચાલતો દેખાય છે.