રાજકોટ દેશી દારૂનું હબ મેટોડા શાપર સુધી સપ્લાય ચેઈન ? બેખબર પોલીસ?
- શાપર-મેટોડામાં કારખાનામાં કામ કરતા મજૂરો માટે બુટલેગરો બાંધેલા ?
- ગંજીવાડા, જંગલેશ્વર, નવાગામ, નવા થોરાળા, કુબલિયાપારામાં ભઠીઓ ધમધમાટ છે
- મેટોડા-શાપરમાં કાળા કૂતરાને ખબર છે દારૂ કોણ વેંચે છે પણ પોલીસને નથી ખબર બોલો ?
- લોકો દારૂ પીતા હોવાનો વીડિયો વાયરલ
સિટી ન્યૂઝ@રાજકોટ
ભાવનગરમાં નકલી રોયલ સ્ટેગની બોટલમાં દારૂ પીવાના કારણે ૬ લોકોનાં મોત થવાની ઘટના બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂના ગેરકાયદે નેટવર્ક સામે સવાલો ઊભા થયા છે. આ ઘટનાની અસર રાજકોટમાં પણ જોવા મળી છે અને પોલીસ દ્વારા દારૂના અફ્કાઓ તથા બુટલેગરો સામે ડ્રાઈવ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જોકે, આ ડ્રાઈવ માત્ર થોડા દિવસ પૂરતી જ મર્યાદિત રહેશે કે ગેરકાયદે દારૂના નેટવર્ક સામે કાયમી અને અસરકારક કાર્યવાહી થશે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક સ્તરે એવી ફરિયાદો પણ ઉઠી રહી છે કે અગાઉ પણ પોલીસ દ્વારા સમયાંતરે ચૅકિંગ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ થોડા સમય બાદ ગેરકાયદે દારૂના ધંધા ફરી શરૂ થઈ જવાના આક્ષેપો થાય છે.
રાજકોટ શહેરના ગંજીવાડા, જંગલેશ્વર, નવાગામ, નવા થોરાળા અને કુબલિયાપારા સહિતના કેટલાક વિસ્તારોમાં દેશી દારૂના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ અંગે સ્થાનિકમાંથી આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ શાપર અને મેટોડા જેવા औद्योगिक વિસ્તારોમાં કામદારોની અવરજવર વચ્ચે ગેરકાયદે દારૂ પહોંચાડાતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
સ્થાનિક લોકોનો સવાલ છે કે જો આવા ગેરકાયદે ધંધા વર્ષોથી ચાલતા હોવાના આક્ષેપો સાચા હોય તો પોલીસને તેની જાણકારી અગાઉ કેમ ન થઈ? શું માત્ર કોઈ મોટી ઘટના બને અથવા લોકોના મોત થાય ત્યાર બાદ જ તંત્ર સક્રિય થવાનું?
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પણ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. જો ગેરકાયદે દારૂના નેટવર્કમાં કોઈ પોલીસ કર્મચારી અથવા અન્ય સરકારી તંત્રના કર્મચારીની સંડોવણી હોવાના પુરાવા મળે તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે રાજકોટમાં શરૂ થયેલી દારૂ વિરોધી કાર્યવાહી માત્ર ચાર-પાંચ દિવસની કામગીરી બની રહેશે કે પછી ગેરકાયદે દારૂના ઉત્પાદન, સપ્લાય અને વેચાણની સમગ્ર ચેઈન સુધી પહોંચીને લાંબા ગાળાની કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગરની દુર્ઘટના બાદ રાજકોટ પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી પર હવે લોકોની નજર છે.
થોરાળા વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેંચાણ
ભાવનગર બાદ હવે રાજકોટ શહેરમાં પણ લઠ્ઠાકાંડ જેવી મોટી હોનારત સર્જાવાની શક્યતાઓને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. રંગીલા રાજકોટ શહેરમાં દારૂબંધીના સરેઆમ લીલીઝંડા ઉડતા હોય તેવા અતિ ચોંકાવનારા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. વાયરલ વીડિયોમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું અને લોકો દ્વારા જાહેરમાં તેનું સેવન કરવામાં આવતું હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી આ ઘટના સામે આવતાં જ શહેરના પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. રંગીલા રાજકોટ શહેરમાં દારૂના વેચાણ થતો હોવાની પ્રાથમિક ચર્ચા જાગી છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ જાતના ડર વગર દેશી દારૂના અફ્કાઓ ચલાવવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં તાજેતરમાં બનેલી ઘટના બાદ પણ રાજકોટમાં આ પ્રકારે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલુ રહેતાં સ્થાનિક નાગરિકોમાં ગંભીર લઠ્ઠાકાંડ સર્જાવાનો ભય અને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ જેવા મોટા શહેરમાં પોલીસની નાક નીચે જ દેશી દારૂનું આટલા મોટા પાયે વેચાણ થતું હોવાના દ્રશ્યો સામે આવતાં જ સ્થાનિક પોલીસની કામગીરી અને ઇમાનદારી સામે પડા ગંભીર સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આ વીડિયોની સતતતા તપાસીને દેશી દારૂના અફ્કાઓ ચલાવતા બુટલેગરો અને તેમને પ્રોત્સાહન આપતા જવાબદાર તત્વો સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.