સૌરાષ્ટ્રની ધરતી નીચે હલચલ: ભૂકંપના સંકેત?
જૂન મહિનામાં ગુજરાતમાં ભૂકંપના 5 નાના આંચકા નોંધાયા
સિસ્મોલોજિસ્ટોના ચોંકાવનારા તારણ
-
કચ્છ રેડ ઝોનમાં પછી સૌથી મોટું જોખમ, દ્વારકા, જામનગર, મોરબી, ધ્રાંગધ્રા
-
મધ્યમ ખતરામાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, મહુવા
સિટી ન્યૂઝ@ગાંધીનગર
૨૪મી જૂને વેનેઝુએલામાં આવેલા ભૂકંપની તબાહી આખી દુનિયાએ જોઈ. એના પછી જમ્મુ-કાશ્મીર અને દિલ્હીની ધરા પણ ધ્રૂજી. ચોંકાવનારી વાત એ છે કે ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના આંકડા પ્રમાણે જૂન મહિનામાં ગુજરાતમાં ભૂકંપના ૫ નાના આંચકા આવ્યા છે તો શું ગુજરાતના પેટાળમાં કોઈ મોટો ખતરો આકાર લઈ રહ્યો છે?
ગાંધીનગરના ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર અને હાલમાં IIT રૂરકીમાં સિસ્મોલોજીના પ્રોફેસર સુમેર ચોપડા અને હાલના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડૉ.સંતોષકુમાર જણાવ્યું હતું કે, વેનેઝુએલામાં ભૂકંપ આવ્યો તે એક્ટિવ પ્લેટ બાઉન્ડ્રી છે. જ્યાં સાઉથ અમેરિકન પ્લેટ અને કેરેબિયન પ્લેટ પરસ્પર મળે છે. જે જગ્યાએ એક્ટિવ પ્લેટ બાઉન્ડ્રી હોય છે ત્યાં ભૂકંપ આવવાની સંભાવનાઓ વધારે હોય છે કેમ કે ત્યાં પ્લેટની મૂવમેન્ટ એક્ટિવ હોય છે.
ભૂકંપ આવે ત્યારે જમીનની નીચેની પ્લેટો ૩ રીતે ટકરાય છે. એક રીતમાં એવું થાય કે બન્ને પ્લેટ્સ એકબીજાની નજીક આવે ત્યારે એક પ્લેટ ઉપર બીજી પ્લેટ આવી જાય છે. આ દરમિયાન લાઈટર પ્લેટ ઉપર રહે છે અને ડેન્સ પ્લેટ નીચે જતી રહે છે. બીજી રીતમાં એવું થાય છે કે બન્ને પ્લેટ્સ એકબીજાથી દૂર જાય છે. જ્યારે ત્રીજી રીતમાં એવું બને છે કે બન્ને પ્લેટ્સ વચ્ચે ઘર્ષણ થાય છે. વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં ત્રીજા પ્રકારની પ્રક્રિયા થઈ હતી એટલે કે બન્ને પ્લેટ્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ભૂકંપની એક્ટિવિટી ચાલતી રહેતી હતી.
ગુજરાતનું કોઈ મોટું શહેર ફોલ્ટ લાઈન પર નથી
સૌરાષ્ટ્રમાં એવી કોઈ મોટી ફોલ્ટ લાઈન નથી એટલે ત્યાં મોટા ભૂકંપ આવવાની શક્યતા ખૂબ ઓછી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ એવી મોટી ફોલ્ટ લાઈન નથી. ગુજરાતનું એક પણ મોટું શહેર ફોલ્ટ લાઈન પર નથી કે જ્યાં મોટો ભૂકંપ આવી શકે પણ કચ્છમાં મોટી-મોટી ફોલ્ટ લાઈન વધારે છે. કચ્છ પહેલેથી જ ઝોન-૫માં હતું અને આજે પણ તેમાં જ છે. જો કચ્છમાં ભૂકંપ આવે તો તેના આંચકાને ટ્રાવેલ કરવાની સ્પીડ દર સેકન્ડે ૭થી ૧૦ કિલોમીટરની હોય છે એટલે એ આંચકાને ૨૫૦ કિલોમીટરના અંતરે પહોંચતા ૨૫ સેકન્ડ લાગે. આવા સંજોગોમાં કચ્છમાં ભૂકંપ આવે અને ઈન્સ્ટ્રુમેન્ટ હોય અને તરત જ એનાલિસિસ કરી તીવ્રતા માપીને બીજે પહોંચાડી લોકોને એલર્ટ કરી શકાય. ભૂકંપમાં ૨૦ થી ૨૫ સેકન્ડનો સમય મળે એ પણ વધારે કહેવાય. જો કે વિજ્ઞાન હજુ એટલું ડેવલપ નથી થયું કે એ કહી શકે કે ભૂકંપ ક્યારે આવશે, કઈ જગ્યાએ આવશે, કેટલી તીવ્રતાનો આવશે.
ભૂકંપ નોંધવા માટે ગુજરાત પાસે એડવાન્સ સિસ્ટમ
આખા ભારતમાં ગુજરાત એક માત્ર રાજ્ય છે કે જેની પાસે પોતાનું સિસ્મિક નેટવર્ક, ભૂકંપ મોનિટરિંગ સ્ટેશન અને પોતાની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ છે. આ અંગે તેઓ કહે છે કે, ૨૦૦૧ના ભૂકંપ પહેલાં ૨ કે તેનાથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે તો જ અમારી પાસે તેનો રેકોર્ડ રહેતો હતો કેમ કે ત્યારે ૧ કે ૨ જ સ્ટેશન કાર્યરત હતા પણ આજે ગુજરાતના દરેક તાલુકામાં એક ઈન્સ્ટ્રુમેન્ટ જોવા મળશે. વિશ્વમાં ભૂકંપ માપવા માટે જે એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે બ્રોડબેન્ડ સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય છે એ જ ઇન્સ્ટ્રુમેન્ટનો ગુજરાતમાં પણ ઉપયોગ થાય છે. વેનેઝુએલામાં આવેલો ભૂકંપ પણ અહીં ગુજરાતમાં રેકોર્ડ કરી શકાય છે. ગુજરાતમાં આવા ૧૫૦ ઇન્સ્ટ્રુમેન્ટ લગાવાયા છે.
10-12 મિનિટમાં સરકારને જાણ થઈ જાય
ભૂકંપ મોનિટરિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે હોવાનું કહેતા તેઓ ઉમેરે છે કે, ગુજરાતમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ લગાવાયા છે તેમાંથી ૫૦ સિસ્મિક સેન્ટરના ડેટા ભૂકંપ આવ્યાના સેકન્ડમાં ગાંધીનગરના મુખ્ય ડેટા સેન્ટરમાં આવી જાય છે. ગુજરાતમાં કોઈ જગ્યાએ ૨થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે તો તેનું મેગ્નિટ્યુડ અને લોકેશન ૧૦થી ૧૨ મિનિટમાં અમે ગુજરાત સરકારને આપી દઈએ છીએ. ભારતમાં આ કામગીરી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી કરે છે. જેના ૧૧૭ સિસ્મિક સેન્ટરમાંથી ૩ કે ૪ ગુજરાતમાં પણ છે.
કચ્છ અલગ-અલગમાં પેટાળની હલચલ પર સંશોધન
કચ્છમાં આટલી મોટી સંખ્યામાં ભૂકંપ કેમ આવી રહ્યા છે તે અંગે સંશોધન ચાલી રહ્યું છે. ડૉ. સંતોષકુમારે જણાવ્યું કે, આ સંશોધન કરવા માટે અમે ઓનલાઈન સિસ્મિક સ્ટેશનની સાથે ૫૦ જેટલા ઓફલાઈન સિસ્મિક સ્ટેશન કાર્યરત કર્યા છે. જે કચ્છમાં ૫ બાય ૫ કિલોમીટરની ગ્રીડ બનાવીને તેના પર રાખવામાં આવ્યાં છે. તેના ડેટા પરથી અમે જાણવાની કોશિષ કરી રહ્યાં છીએ કે ભૂકંપમાં કચ્છનો વિસ્તાર આટલો એક્ટિવ કેમ છે. ભૂકંપથી ડરવાની જરૂર નથી પણ ૨૦૦૧માં જે નુકસાન થયું છે તેને અવગણવાની જરૂર પણ નથી.