મોરબી સબજેલમાંથી ફરી બે મોબાઈલ મળતા વહીવટીતંત્રમાં મચી દોડધામ
- ડીઆઈજી ની ટીમે હાથ ધર્યું ચેકિંગ, બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો
- 40 કેદીઓની પૂછપરછ છતાં માલિકીની કોઈએ ન કરી કબૂલાત
- અગાઉ પણ ચાર મોબાઈલ મળી આવ્યા, છતાં તપાસમાં કોઈ નક્કર પરિણામ નહીં
સિટી ન્યુઝ @ મોરબી
મોરબી સબજેલની સુરક્ષા વ્યવસ્થા ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. ડીઆઈજી ગિરીશ પંડ્યાની ટીમે ગઈકાલે જેલમાં હાથ ધરેલી સઘન તપાસ દરમિયાન બે બિનવારસી કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ ઘટના અંગે જેલના સુબેદાર કાનજીભાઈ એલ. સાંબડ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં જેલમાંથી મોબાઈલ મળી આવવાની આ પાંચમી મોટી ઘટના છે.
ગઈકાલે સાંજે 5:30 થી 7:00 દરમિયાન હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં જેલના સર્કલ નંબર 0101 માં આવેલા મંદિરમાંથી HMD કંપનીનો એક મોબાઈલ, જ્યારે સર્કલ નંબર 22 ના બેરેક નંબર 0303 ની લોબીમાં ઇલેક્ટ્રિક બોર્ડના વાયરિંગમાંથી બીજો મોબાઈલ મળી આવ્યો હતો. આ મામલે આશરે 40 જેટલા કાચા કામના કેદીઓની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈએ પણ મોબાઈલની માલિકી કબૂલી ન હતી. મળેલા બંને ફોનમાં બેટરી હતી પરંતુ સિમકાર્ડ ગાયબ હતા.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.આર. જાડેજા આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે. જેલમાંથી અગાઉ પણ ચાર વખત મોબાઈલ મળી આવ્યા હોવા છતાં, આજદિન સુધી એક પણ કેસમાં મોબાઈલના અસલી માલિકો કે તે કેવી રીતે જેલ સુધી પહોંચ્યા તેનો પર્દાફાશ થયો નથી. જેલ જેવી સુરક્ષિત જગ્યાએથી વારંવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવી તે જેલ પ્રશાસનની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે.
વારંવારની લાપરવાહી પર પ્રશ્નાર્થ
મોરબી સબજેલમાં વારંવાર મોબાઈલ ફોન મળી આવવાની ઘટના દર્શાવે છે કે જેલની સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક મોટું છિદ્ર છે. કેદીઓ સુધી આ ઉપકરણો કોણ પહોંચાડે છે અને જેલ અધિકારીઓની નજર હેઠળ આટલા મોબાઈલ કેવી રીતે અંદર આવે છે તે એક તપાસનો વિષય છે. જો આ રીતે સુરક્ષામાં ગાબડાં પડતાં રહેશે, તો ગુનાખોરી ડામવા માટેનું આ તંત્ર જ જોખમમાં મુકાઈ જશે. વહીવટીતંત્રે હવે માત્ર મોબાઈલ જપ્ત કરવાને બદલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.