જૂનાગઢ શીતળા કુંડ ગ્રાન્ટ વિવાદ: કોંગ્રેસની ધારાસભ્યના ઘર ઘેરાવની ચીમકી
- 50 લાખની ગ્રાન્ટ રદ થતા સ્થાનિકોમાં રોષ, રિનોવેશન કામ કાગળ પર રહી જતા હોબાળો
- શીતળા કુંડ વિકાસનું કામ અટવાયું: કોંગ્રેસે ધારાસભ્ય પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો
- નિયમ વિરુદ્ધ ગ્રાન્ટ ફાળવ્યાનો ખુલાસો થતા સ્થાનિકો ધરણા પર, તંત્ર સામે આક્રોશ
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢના પૌરાણિક શીતળા કુંડના રિનોવેશનનો મુદ્દો હાલ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા એક વર્ષથી રિનોવેશનના કામની રાહ જોઈ રહેલા સ્થાનિક રહીશો છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. આ પવિત્ર સ્થળના વિકાસ માટે ધારાસભ્ય દ્વારા 50 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં જિલ્લા આયોજન મંડળ દ્વારા આ ગ્રાન્ટ નિયમ બાહ્ય હોવાનું જણાવી રદ કરતા વિવાદ વકર્યો છે. વિકાસના કામો કાગળ પર જ રહેતા અને સ્થાનિકોને ગેરમાર્ગે દોરવામાં આવતા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ ધારાસભ્યની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, ધારાસભ્યને જાણ હોવા છતાં લોક ભાગીદારીની ગ્રાન્ટ ધાર્મિક કામો માટે વાપરી શકાય તેમ નથી, તેમ છતાં જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી. ત્રણ દિવસ પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ આયોજન મંડળની તપાસમાં ગ્રાન્ટ જ રદ થઈ હોવાનું બહાર આવતા ધારાસભ્યની પોલ ખુલી ગઈ છે. આ મામલે કોંગ્રેસે ધારાસભ્ય પર સ્થાનિક જનતા સાથે શુદ્ધ છેતરપિંડી કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.
સ્થાનિક રહીશો છેલ્લા ઘણા દિવસોથી શીતળા કુંડ ખાતે ધરણા પર બેઠા છે, છતાં તંત્ર ઉદાસીન છે. કોંગ્રેસ દ્વારા હવે સરકારને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કે અન્ય કોઈ પણ સરકારી ગ્રાન્ટમાંથી આ કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માંગણી કરવામાં આવી છે. મનોજ જોશીએ સત્તાપક્ષને આખરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો તાત્કાલિક યોગ્ય નિરાકરણ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ અને સ્થાનિક રહીશો ધારાસભ્યની ઓફિસ તેમજ તેમના ઘરનો ઘેરાવો કરશે, જેના તમામ પરિણામોની જવાબદારી શાસક પક્ષની રહેશે.
આંદોલન અને ગ્રાન્ટનો વિવાદ
જૂનાગઢના શીતળા કુંડના રિનોવેશન માટે ફાળવાયેલી 50 લાખની ગ્રાન્ટ સરકારી ગાઈડલાઈન મુજબ રદ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ છે. ધારાસભ્ય દ્વારા કામગીરી પ્રગતિમાં હોવાના કરવામાં આવેલા દાવાઓ સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. હવે સ્થાનિકો અન્ય કોઈ સરકારી ગ્રાન્ટમાંથી તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે, અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને ઘેરાવની ચીમકી આપવામાં આવી છે.