Loading Please Wait !!!
શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો: પાલીતાણા અને તળાજાના 17 ગામો એલર્ટ

 

    • 31 ફૂટને પાર પહોંચી જળસપાટી, તંત્ર દ્વારા નદીના પટમાં ન જવાની કડક ચેતવણી

    • 71,810 ક્યુસેક પાણીની અવિરત આવક, ડેમ ઓવરફ્લો થવાના આરે

    • ધારી ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા શેત્રુંજી ડેમમાં પાણીની રેલમછેલ, લોકોમાં ખુશી

સિટી ન્યૂઝ @ ભાવનગર

અમરેલીના ધારી ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની અવિરત આવક શરૂ થઈ છે. હાલ ડેમની જળસપાટી 31 ફૂટ 11 ઈંચ પર પહોંચી છે, જે તેની કુલ ક્ષમતાના 80 ટકા છે. 34 ફૂટે ડેમ ઓવરફ્લો થતો હોય, સતત 71,810 ક્યુસેક પાણીની આવકને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ચોમાસાની શરૂઆતમાં જ ડેમનું જળસ્તર વધતા પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે, જેને લઈને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પાલીતાણાના 5 અને તળાજાના 12 મળી કુલ 17 ગામોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. પાલીતાણાના નાની રાજસ્થળી, લાપડીયા, લાખાવાડ, માયધાર અને મેઢા જ્યારે તળાજાના ભેગાડી, દાત્રળ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવવા, તરસરા અને સરતાનપર ગામોના લોકોને નદીના પટમાં ન જવા કડક ચેતવણી અપાઈ છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

વરસાદી માહોલ અને ડેમમાં વધતી જતી પાણીની આવક વચ્ચે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. સ્થાનિકોને નદીના કાંઠે જવાનું ટાળવા અને સાવચેતી રાખવા વારંવાર સૂચના આપવામાં આવી છે. ડેમ ઓવરફ્લો થવાની નજીક હોવાથી આગામી સમયમાં જળસ્તર વધતા તંત્ર દ્વારા અન્ય સુરક્ષા પગલાં પણ લેવામાં આવી શકે છે.

અસરગ્રસ્ત વિસ્તારો માટેની સૂચના

શેત્રુંજી ડેમનું જળસ્તર 31 ફૂટથી વધીને 34 ફૂટ સુધી પહોંચવાની સંભાવના હોવાથી, પાલીતાણા અને તળાજાના 17 ગામોના રહેવાસીઓએ અત્યંત સાવધ રહેવું અનિવાર્ય છે. વહીવટી તંત્રની સૂચના મુજબ નદીના પટ, કોતરો કે નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું. કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે તંત્ર દ્વારા અપાતી ચેતવણીઓને અનુસરવી. પીવાના પાણી અને સિંચાઈ માટે આ સારા સમાચાર છે, પરંતુ સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે.