અમદાવાદમાં 352 ફૂટ ઊંચી બિલ્ડિંગના 32મા માળે ક્રેનમાં યુવકે ફાંસો ખાધો!
-
મોડી રાતથી સવાર સુધી 352 ફૂટની ઊંચાઈએ મૃતદેહ લટકેલી હાલતમાં રહ્યો.
-
સવારે કામદારો અને આસપાસના લોકો સ્થળ પર પહોંચતા જ ચકચાર મચી.
-
સેફ્ટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દ્વારા ક્રેન પરથી મૃતદેહ નીચે ઉતારાયો.
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ, અમદાવાદના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટી સામે આવેલી નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 32મા માળે આવેલી ક્રેન પર જ યુવકે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ગત મોડી રાતથી સવાર સુધી આ મૃતદેહ 352 ફૂટની ઊંચાઈએ લટકેલી હાલતમાં જ રહ્યો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
આસપાસના લોકો અને સાઇટ પર કામ કરતા અન્ય શ્રમિકો સવારે આઠ વાગ્યાની આસપાસ પહોંચ્યા ત્યારે તેમણે ઊંચાઈ પર લટકતો મૃતદેહ જોયો હતો. ત્યારબાદ તાત્કાલિક સાઇટ મેનેજમેન્ટ અને સિક્યુરિટીને આ અંગે જાણ કરવામાં આવી હતી. સવારના સાડા નવ વાગ્યા સુધી મૃતદેહ ક્રેન પર લટકતો રહ્યો હતો, જેના પછી સાઇટના સેફ્ટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ભારે મશક્કત બાદ તેને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો.
મૃતક યુવકની ઓળખ 22 વર્ષીય પ્રીતમસિંહ તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો વતની હતો. તે છેલ્લા કેટલાક સમયથી આ નિર્માણાધીન સાઇટ પર ક્રેન ચલાવવાનું જ કામ કરતો હતો. પોતાની રોજિંદી જગ્યા પર જ તેણે આ કદમ કેમ ઉઠાવ્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. યુવકના આકસ્મિક આત્મઘાતી પગલાં પાછળ કોઈ માનસિક તણાવ, અંગત કારણ કે કામનું દબાણ હતું કે કેમ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ ઘટના બાદ નિર્માણાધીન સાઇટ પર કામ કરતા અન્ય કામદારોમાં પણ શોકની કાલિમા છવાઈ ગઈ છે અને પોલીસ મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.
શ્રમિક સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય
કાર્યસ્થળ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને તેમના માનસિક સ્વાસ્થ્ય તથા સમસ્યાઓની કાળજી લેવી એ બાંધકામ સાઇટ સંચાલકો અને સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.