ઉધનામાં 15 વર્ષ જૂના 7 ઘટાદાર વૃક્ષોનું ગેરકાયદે છેદન: પાલિકાએ માત્ર ₹90 હજારનો દંડ કર્યો
-
નજીકની બિલ્ડિંગને નડતરરૂપ હોવાથી પાલિકા-વન વિભાગની મંજૂરી વિના વૃક્ષો કપાયા
-
માત્ર ₹90 હજારનો દંડ ફટકારીને સંતોષ માનતા ઝોનલ અધિકારીઓની કામગીરી પર સવાલ
-
ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરે સમગ્ર મામલે તપાસ કરી કાયદેસર કાર્યવાહીની ખાતરી આપી
સિટી ન્યુઝ @ સુરત
સુરતના ઉધના વિસ્તારમાં પર્યાવરણને મોટો ફટકો મારતી 1 ગંભીર ઘટના સામે આવી છે. જોગાણી માતાના મંદિરથી નવજીવન શોરૂમ તરફ જતા જાહેર મુખ્ય માર્ગ પર આવેલા 10 થી 15 વર્ષ જૂના 7 જેટલા મોટા અને ઘટાદાર વૃક્ષોને રાતોરાત ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવ્યા છે. નજીકમાં બની રહેલી કે આવેલી બિલ્ડિંગને નડતરરૂપ બનતા આ લીલાછમ વૃક્ષો પર મહાનગરપાલિકા કે વન વિભાગની કોઈપણ પૂર્વ મંજૂરી લીધા વિના જ કુહાડી ચલાવી દેવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ઉધના ઝોનના વહીવટી અધિકારીઓએ વૃક્ષો કાપનારાઓ સામે માત્ર ₹90,000 નો મામૂલી દંડ ફટકારીને સંતોષ માની લીધો છે. પર્યાવરણને આટલા મોટા પાયે નુકસાન પહોંચાડવા છતાં પાલિકા તંત્ર દ્વારા દાખલારૂપ કડક ફોજદારી પગલાં ભરવાને બદલે માત્ર સામાન્ય દંડ કરીને પ્રકરણ પૂરું કરવાનો પ્રયાસ કરાતાં સ્થાનિક રહીશો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ બિલ્ડિંગના સ્વાર્થ ખાતર જાહેર મિલકત સમાન વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. આટલી મોટી બેદરકારી અને ગેરકાયદે કૃત્ય છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
આ મામલે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનો સંપર્ક કરવામાં આવતાં તેમણે પ્રાથમિક તબક્કે આ બનાવ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવશે અને આ વૃક્ષો કોના કહેવાથી તથા કોની મિલીભગતથી કપાયા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરાવીને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે.
ઉધનામાં 7 વૃક્ષોનું ગેરકાયદે છેદન
સુરતના ઉધનામાં બિલ્ડિંગના નડતરના નામે મંજૂરી વિના 15 વર્ષ જૂના 7 ઘટાદાર વૃક્ષો રાતોરાત કાપી નંખાયા હતા. પાલિકાએ માત્ર ₹90,000 નો મામૂલી દંડ ફટકારતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.