સુરતમાં ખાડીપૂરનો પ્રકોપ: મગોબમાં 5 ફૂટ પાણી ભરાતા રેસ્ક્યુ બોટ મૂકાઈ!
- મીઠી ખાડીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો, 2,244 લોકોનું સ્થળાંતર કરાયું, કાપડ માર્કેટ બંધ.
- પર્વત પાટિયા અને મગોબ બેટમાં ફેરવાયા, કમર સુધીના પાણીમાં ફસાયા નાગરિકો.
- મેગા ટ્રાફિક ડાયવર્ઝન આપવું પડ્યું, ફાયર વિભાગ દ્વારા બોટ સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ.
સિટી ન્યુઝ @ સુરત
સુરત શહેર અને ઉપરવાસમાં રાતથી જ સતત વરસી રહેલા આકાશી આફતના કારણે સમગ્ર શહેરમાં ગંભીર ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં 4 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા તમામ વિસ્તારો જળમગ્ન બન્યા છે. આ મેઘતાંડવના કારણે સુરતનો મગોબ વિસ્તાર સૌથી વધુ આફતગ્રસ્ત બન્યો છે, જ્યાં માર્ગો પર આશરે ચારથી પાંચ ફૂટ જેટલાં પૂરના પાણી ફરી વળ્યાં છે અને પરિસ્થિતિની ગંભીરતા જોતાં તંત્ર દ્વારા રેસ્ક્યુ બોટ મૂકવી પડી છે. આ વચ્ચે મીઠી ખાડીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ઉપરવાસમાંથી આવેલા સતત પાણી અને સ્થાનિક મુશળધાર વરસાદને લીધે સુરતની મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. ભેદવાડ ખાડી 7.50 મીટરે અને સીમાડા ખાડી 4.70 મીટરની જોખમી સપાટી વટાવી ચૂકી છે. ખાડીઓ ઓવરફ્લો થતાં પર્વત પાટિયા, પર્વત ગામ, મગોબ, સારોલી, પુણા કુંભારીયા અને કાંગારુ સર્કલ જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પર્વત પાટિયા રોડ પર આવેલી શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં પણ 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા છે.
વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં સુરતના પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 2,244 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. મગોબમાં પેટ્રોલ પંપ અને કાપડ માર્કેટના દરવાજા સુધી પાણી ભરાઈ જવાથી વેપાર-રોજગાર ઠપ થઈ ગયા છે, જ્યારે પર્વત ગામ સંપર્કવિહોણું બનતા એક ટાપુ જેવું બની ગયું છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
સુરતમાં ખાડીપૂરથી ત્રાહિમામ: 2,244 લોકોનું સ્થળાંતર
સુરતમાં ભારે વરસાદ અને ખાડીઓ બેક મારવાના કારણે સર્જાયેલા પૂરની સ્થિતિમાં જનજીવન વેરવિખેર થઈ ગયું છે. મગોબ અને પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં 5 ફૂટ સુધી પાણી ભરાતા ફાયર વિભાગે બોટ ઉતારી છે. મીઠી ખાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાથી શોક છવાયો છે, જ્યારે તંત્ર દ્વારા 2,244 નાગરિકોને સુરક્ષિત ખસેડીને રાહત કામગીરી તેજ કરાઈ છે.